નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હવે નવા નામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાર્યકારી વડાપ્રધાન માટે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રથમ વખત કુલમાન ઘિસિંગનું નામ આગળ આવ્યું છે. એક સમયે દેશને લાંબા સમયથી પીડતા વીજળી કાપમાંથી બહાર લાવનાર આ ટેકનોક્રેટ આજે યુવાનોમાં આશાનું પ્રતિક બની ગયો છે.
કુલમાન ઘિસિંગનો જન્મ 25 નવેમ્બર 1970ના રોજ રામેછાપ જિલ્લામાં થયો હતો. નાનપણથી જ અભ્યાસુ અને મહેનતુ સ્વભાવ ધરાવતા કુલમાન શિક્ષણ માટે ભારતના જમશેદપુર ગયા અને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ પોતાના દેશમાં પાછા ફર્યા અને વીજળી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. 2016માં જ્યારે તેમને નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે દેશ દરરોજ 10થી 12 કલાક વીજળી કાપનો સામનો કરી રહ્યો હતો. આ સમસ્યાએ નાગરિક જીવન સાથેસાથે ઉદ્યોગ, વેપાર અને શિક્ષણને પણ ગંભીર અસર પહોંચાડેલી.
ઘિસિંગે પોતાની તકનીકી કુશળતા, વ્યવસ્થાપન ક્ષમતા અને અડગ પ્રતિબદ્ધતાથી થોડા જ સમયમાં પરિસ્થિતિ બદલી નાખી. તેમણે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણની ખામીઓને ઓળખીને સુધારા કર્યા. વીજળી ચોરીને રોકવા માટે કડક પગલાં લીધા, ટ્રાન્સમિશન લાઇનના આધુનિકીકરણ માટે નવી યોજનાઓ અમલમાં મૂકી અને સ્થાનિક સ્તરે વીજળી વપરાશમાં સંતુલન લાવવા માટે નવી ટેક્નિક અપનાવી. પરિણામે વર્ષો સુધી ચાલતા બ્લેકઆઉટ્સ અચાનક ઇતિહાસ બની ગયા. લોકોના ઘરોમાં સતત વીજળી મળવા લાગી અને ઘિસિંગને ‘દેશભક્ત ટેકનોક્રેટ’ તરીકે ઓળખવામાં આવવા લાગ્યા.
2016થી 2020 સુધીના પોતાના પ્રથમ કાર્યકાળમાં તેમણે જે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું, તે કારણે 2021માં ફરીથી તેમને NEAના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બીજીવાર નિયુક્ત કરવામાં આવ્યા. આ કાર્યકાળ દરમિયાન તેમણે વીજળી ઉત્પાદન વધારવા માટે નવી યોજનાઓ શરૂ કરી, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ગતિ આપી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સાથે વીજળીના વેપાર માટે મહત્વપૂર્ણ કરારો કર્યા. જોકે, 2025માં તેમનો કાર્યકાળ પૂરું થવામાં થોડો સમય બાકી હતો ત્યારે તેમને અચાનક પદ પરથી હટાવી દેવામાં આવ્યા. તેમના વિરુદ્ધ સરકાર દ્વારા ઘણા આરોપો મુકાયા – જેમકે સમયસર પ્રદર્શન રિપોર્ટ ન આપવો, ભારત સાથેના વીજળી કરારોમાં મંજૂરી ન લેવી અને બોર્ડના નિર્ણયો અવરોધવા. છતાં, સામાન્ય જનતા માટે કુલમાનની છબી એક “હીરો” તરીકે અકબંધ રહી, કારણ કે તેમની મહેનતથી જ લાંબા સમયથી ચાલતી અંધકારની સમસ્યા દૂર થઈ હતી.
તાજેતરમાં નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા યુવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. ખાસ કરીને Gen-Z પેઢીએ આ પ્રતિબંધને પોતાની સ્વતંત્રતાના હક્ક પર હુમલો ગણાવ્યો અને રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. થોડા જ સમયમાં આંદોલન હિંસક બન્યું અને રાજકીય સંકટ સર્જાયું. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની નિષ્ફળ નીતિઓ વિરુદ્ધ જનતા ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવા લાગી. પરિસ્થિતિ એટલી વિકટ બની કે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું.
આવા સમયે નેપાળમાં કાર્યકારી સરકાર બનાવવા માટે સેના, Gen-Z આંદોલનકારીઓ અને પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી સહિતના સાત પ્રતિનિધિઓ વચ્ચે બેઠક શરૂ થઈ. આ બેઠકમાં યુવા પ્રતિનિધિઓના એક જૂથે કુલમાન ઘિસિંગનું નામ કાર્યકારી વડાપ્રધાન તરીકે પ્રસ્તાવિત કર્યું. એન્જિનિયર હોવા છતાં દેશની વાસ્તવિક સમસ્યાઓ હલ કરવા માટેની તેમની ક્ષમતા અને નિષ્પક્ષ, ભ્રષ્ટાચારમુક્ત છબીના કારણે તેઓ યુવાનોમાં લોકપ્રિય છે.
આ પહેલાં કાર્યકારી વડાપ્રધાનની રેસમાં પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુના મેયર બાલેન શાહના નામ ચર્ચામાં હતા. પરંતુ હવે કુલમાન ઘિસિંગના નામે એક નવી સંભાવના ઊભી કરી છે – કે દેશને રાજકીય લડાઈઓ અને જૂની વ્યવસ્થાની બદલે એક નિષ્પક્ષ, વ્યાવસાયિક નેતૃત્વ તરફ દોરી જવાય. જો તેઓ કાર્યકારી વડાપ્રધાન બને છે, તો એ માત્ર નેપાળ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં એક અનોખું ઉદાહરણ સાબિત થઈ શકે છે કે ટેકનોક્રેટ્સ પણ તાત્કાલિક સંકટમાં દેશને માર્ગદર્શન આપી શકે છે.
આ રીતે નેપાળ આજે એક મહત્વપૂર્ણ તબક્કે ઊભું છે – એક તરફ હિંસક આંદોલનો અને ભ્રષ્ટાચારની રાજકીય વારસો છે, તો બીજી તરફ એક એવા નિષ્પક્ષ ટેકનોક્રેટની સંભાવના છે જે પોતાની કારકિર્દીથી લોકોના દિલ જીતી ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે નેપાળની રાજકીય પરિસ્થિતિમાં આ નવા વિકલ્પને કેટલું સ્થાન મળે છે અને દેશને અંધકારમાંથી બહાર લાવનાર એન્જિનિયર શું રાજકીય અસ્થિરતાથી પણ બહાર કાઢી શકે છે કે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel