પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક વિશેષ રાહત ટ્રેનને લીલી ઝંડી બતાવીને પંજાબ તરફ રવાના કરી હતી. આ ટ્રેનમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી બની રહેલી તમામ જીવનજરૂરિયાતની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ત્યાંના લોકોના જીવનને તાત્કાલિક રાહત મળી શકે.
ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવેલી આ રાહત ટ્રેનમાં 400 ટન જેટલી ખાદ્ય સામગ્રી સામેલ છે, જેમાં લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સિંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની અને 10 હજાર બેડશીટ મોકલવામાં આવ્યા છે, જેથી અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક આશ્રય અને આરામની સુવિધા ઉભી થઈ શકે. આરોગ્યને ધ્યાનમાં રાખીને અંદાજે 70 ટન જેટલી દવાઓ પણ મોકલવામાં આવી છે. કુલ 22 વેગનોમાં ભરાયેલ આ સામગ્રી પંજાબના વિવિધ પુરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ માટે મોકલવામાં આવી રહી છે.
દેશમાં ક્યાંય પણ આપત્તિની સ્થિતિ હોય તો આપણા ગુજરાતે હંમેશા જરૂરતમંદોની પડખે રહેવાનો ધર્મ નિભાવ્યો છે.
આ જ પરંપરાને નિભાવતા, પંજાબમાં ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા માટેની વિશેષ રાહત ટ્રેનને આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાત… pic.twitter.com/d0pE0Ud0A9
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 11, 2025
આ રાહત ટ્રેનની વ્યવસ્થા ગુજરાત સરકારની રાહત કમિશનર કચેરીના સંકલન હેઠળ કરવામાં આવી છે. અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ અને આરોગ્ય વિભાગના સહયોગથી સમગ્ર સામગ્રીનું સંકલન અને વિતરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી છે. ઘઉંથી માંડીને કપડાં સુધીની જીવનજરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.”
લાયક નોંધ છે કે, આ પહેલાં પણ ગુજરાત સરકારે પંજાબ અને છત્તીસગઢ બંને પૂરગ્રસ્ત રાજ્યોને મદદરૂપ થવા માટે ₹5-5 કરોડની સહાયના ચેક સીધા જ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને મોકલી આપ્યા હતા. આ રીતે ગુજરાત સરકાર માત્ર નાણાકીય સહાય પૂરતી ન રાખી, પરંતુ જરૂરી ખાદ્ય સામગ્રી, આરોગ્ય સાધનો અને તાત્કાલિક જીવન જરૂરીયાતો મોકલીને પૂર પીડિતોના દુઃખમાં ભાગીદાર બની છે. આ પહેલથી માત્ર અસરગ્રસ્ત લોકોને રાહત મળશે એટલું જ નહીં, પરંતુ આંતરરાજ્ય સહકાર અને માનવતા પર આધારિત સેવા ભાવનાનો સંદેશ પણ દેશભરમાં પહોંચ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel