નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જીએસટીના નવા સુધારા અને તેની અસર વિશે વિસ્તૃત સ્પષ્ટતા આપી હતી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરાથી બહાર રાખવાના પ્રશ્ને તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ રાજ્યોની સહમતિ વગર આ નિર્ણય શક્ય નથી. જીએસટી અમલમાં આવ્યો ત્યારે પણ પેટ્રોલ-ડીઝલને તેમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યો તૈયાર નહોતા. હાલ પણ જો રાજ્યો સંમત થાય તો તરત જ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવી શકાય, પરંતુ હાલમાં તેવો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની નીતિ એવી છે કે આવા મોટા ફેરફારોમાં સહકારી સંઘવાદ જાળવવો જરૂરી છે અને રાજ્યોની સંમતિ વિના એકતરફી નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય.
સીતારમણે જણાવ્યું કે તાજેતરના જીએસટી સુધારા બાદ 99 ટકા સામાન સસ્તા થયા છે, ખાસ કરીને સામાન્ય જનજીવન સાથે સંકળાયેલા ખાદ્ય પદાર્થોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સીધી રાહત પહોંચાડવાનો છે, મોટા કોર્પોરેટ હાઉસિસને નહીં. જો કોઈ કંપની કે વેપારી જીએસટીમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી ન પહોંચાડે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે સરકાર દર વર્ષે જીએસટીના માળખાની સમીક્ષા કરે છે અને જ્યાં શક્ય હોય ત્યાં કરનો ભાર ઘટાડવાનો પ્રયાસ કરે છે, જેથી ગ્રાહકને સીધો લાભ મળી શકે.
વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતાં નાણામંત્રીએ યાદ અપાવ્યું કે ક્યારેક જીએસટીને “ગબ્બર સિંહ ટેક્સ” કહીને ટીકા કરવામાં આવતી હતી, પરંતુ આજે 91 ટકા ટેક્સ વસૂલનારાઓ તેને સૌથી પારદર્શક અને સુવ્યવસ્થિત કર પદ્ધતિ ગણાવી રહ્યા છે. તેમણે તીખું પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની ઇન્દિરા ગાંધી સરકારે ક્યારેક ઇનકમ ટેક્સ પર જ 91 ટકા સુધી કર વસૂલ્યો હતો અને આજે એ જ પક્ષ જીએસટીમાં સુધારા માટે શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. સીતારમણે ભારપૂર્વક જણાવ્યું કે જીએસટી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટેની ઐતિહાસિક કર સુધારણાની યોજના છે અને તેની અસરથી સામાન્ય લોકોના જીવન ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે, જે સરકાર માટે સૌથી મોટી સિદ્ધિ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel