આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ. સ્થાયી શાંત માટે આ બહુ જરુરી છે. બે દેશો સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રિય નિર્ણયો લાગુ કર્યા વગર આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપના કરવી મુશ્કેલ છે.
તેમણે કહ્યુ હતુ કે, ગાઝામાં થઈ રહેલા વોર ક્રાઈમને દુનિયાના તમામ દેશોએ મળીને રોકવા જોઈએ તેમજ ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનના લોકોને વિસ્થાપિત કરવાની કાર્યવાહી બંધ થવી જોઈએ.
પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને માનવાધિકારોના મુદ્દે પણ બેવડા માપદંડો અપનાવવામાં આવી રહ્યા હોવાનો ઈશારો કરીને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના નાગરિકો પર અત્યારે ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા અત્યાચારો પર દુનિયા ચૂપ્પી સાધીને બેઠી છે. આપણે એક મોટી માનવીય ત્રાસદીનો સામનો કરી રહ્યા છે. જેનાથી સાબિત થયુ છે કે, યુએન અને દુનિયા ઈઝરાયેલના મામલે નિષ્ફળ ગઈ છે. પેલેસ્ટાઈનનો કેસ દુનિયાના માનવાધિકારોના મુદ્દે બેવડા માપદંડનુ ઉદાહરણ છે.