નડિયાદનો એક યુવાન વેપારી વધુ પ્રોફીટ મેળવવાની લાલચમાં અડધા લાખમાં લુંટાયો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ.
નડિયાદ શહેરના ડાકોર રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે, રાણાનગર સોસાયટી, બંગલા નં. ૧૯ માં રહેતા પંકજભાઈ ચંદુભાઈ વાઘેલા ઉંમર ૩૦ વર્ષનાઓને મોબાઈલમાં એક ટેલિગ્રામ લીંક મનીષ પટેલ એસઈબીઆઈની આવી હતી. જેમાં વધુ પ્રોફીટ મેળવવાની તક દર્શાવી હતી. જેથી પંકજભાઈને તે લીંકમાં તા.૨૩-૮-૨૦૨૩ ના રોજ રૂ. ૧૦,૦૦૦- નું રોકાણ કર્યું હતું. બીજા દિવસે પંકજભાઈને તમારા રૂ. દસ હજારના રોકાણમાં તમોને રૂ. ૧,૪૩,૫૦૦ નો ફાયદો થયો છે. તેમ જણાવી મનીષ પટેલની લીંક દ્વારા ૩૦ ટકા લેખે રૂ. ૪૩ હજાર કર્મચારી ફાળા પેટેના મોકલી આપવા જણાવ્યું હતું. જેથી પંકજભાઈએ બીજા રૂ. ૪૩ હજાર પણ મોકલી આપ્યા હતા. ત્યારબાદ થોડા જ સમયમાં તમારે ૪૩ હજાર નહીં, પરંતુ ૪૩,૦૫૦ રૂપિયા મોકલવાના હતા. તમો ફરીથી રૂ. ૪૩,૦૫૦ મોકલી આપો. જેથી તમોને બધા જ પ્રોફીટ સાથેના નાણાં મોકલી આપીએ તેમ જણાવતાં પંકજભાઈ વાઘેલાને શંકા ગઈ હતી અને બીજા નાણાં મોકલ્યાં નહીં.
આ બાબતે તેઓને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ સાઈબર સેલમાં ૧૯૩૦ ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેનો કોઈજ નિકાલ ના આવતાં હવે પંકજભાઈ ચંદુભાઈ વાઘેલાએ નડિયાદ ટાઉનમાં મનીષ પટેલની લીંક સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે લીંક સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈપીકો કલમ ૪૨૦ ૬૬ સી/૬૬ ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.