પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન 26 સપ્ટેમ્બરથી અલગ-અલગ કેસને લઈ જેલમાં કેદ છે અને રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
PTI એ ચૂંટણી પંચને લખ્યો પત્ર
પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે PTI ની 24 પોઈન્ટ ડિમાન્ડ મેનિફેસ્ટોમાં કરેલી ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું છે. પીટીઆઈને તેના જનરલ સેક્રેટરી ઓમર અયુબ ખાને 6 નવેમ્બરે ચૂંટણી પંચને મોકલાવેલા પત્રમાં ઈમરાનને કારણ વગર ધરપકડ કરાયેલા કેદી તરીકે ગણાવ્યા હતા.
ઈમરાન ખાન ઘણા મામલામાં છે આરોપી
પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીને એક રાજકીય એકમ તરીકે હેરાન કરવામાં આવી રહી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો કે, ચૂંટણી પંચે આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કથિત ઉત્પીડનમાં તેની કોઈ ભૂમિકા નથી. ECP એ 22 નવેમ્બરના રોજ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈમરાન ખાન સાઇફર કેસ સહિત જુદા-જુદા કેસમાં જેલમાં છે.
ચૂંટણી પંચે પીટીઆઈના દાવાના જવાબમાં ‘નો-રોલ’ નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેના નેતાઓને પાર્ટી સામે ઈન્ટરવ્યુ અને નિવેદનો આપવા અને તેનાથી દૂર જવાની ફરજ પાડવામાં આવી હતી. ચૂંટણી મોનિટરિંગ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે તે કોઈપણ રાજકીય નેતાને કોઈપણ પક્ષમાં જોડાવા કે પાર્ટીને છોડતા રોકી શકે નહીં.
ફેબ્રુઆરી 2024માં યોજાશે ચૂંટણી
ECP એ કહ્યું હતું કે, તેમણે પહેલાથી જ રખેવાળ સરકારને બધાને સમાન અવસર આપવા માટે સૂચનાઓ જાહેર કરી છે. પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે, બંધારણીય રીતે નિર્ધારિત 90 દિવસના સમયગાળામાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી નથી, ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી છે. તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને ચૂંટણીની તારીખ 8 ફેબ્રુઆરી, 2024 નક્કી કરી છે.