મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, લોકો આગામી 3 ડિસેમ્બરે મત ગણતરીના પરિણામો પહેલા, આજે જાહેર થનારા એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યા છે. એટલે કે એક્ઝિટ પોલ પરથી લોકો ચોક્કસપણે અનુમાન લગાવશે કે મધ્યપ્રદેશ રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આજે સાંજે 6 વાગ્યા પછી લોકોની રાહનો અંત આવશે અને એક્ઝિટ પોલ સામે આવશે. એક્ઝિટ પોલમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે આ વખતે શિવરાજસિંહની સરકાર ફરી રિપીટ થાય છે કે કોંગ્રેસ જીતી જાય છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ગત, 18 નવેમ્બરે મતદાન થયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં 76 ટકાથી વધુ મતદાન થયું હતું. 2018ની વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં 75.63 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 230-230 ઉમેદવારો ઉપરાંત બસપાના 181, સમાજવાદી પાર્ટીના 71 અને અપક્ષના 1166 ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું.
બહુમતનો જાદુઈ આંકડો 116 છે
મધ્યપ્રદેશ વિધાનસભા માટે 230 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. 230 બેઠક સંખ્યા ધરાવતી મધ્યપ્રદેશ વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો 116 છે. કેટલાક ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વખતની જેમ આ વખતે પણ કોઈ પક્ષ બહુમતીનો એટલે કે જાદુઈ આંકડાને સ્પર્શી શકશે નહીં. જો ઓપિનિયન પોલની જેવી જ સ્થિતિ સર્જાય તો અન્ય નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્વની બની રહેશે. હાલમાં મધ્યપ્રદેશના સૌ કોઈની નજર આજે જાહેર થનાર એક્ઝિટ પોલ ઉપર છે.
આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે
- મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ – બુધની વિધાનસભા બેઠક
- પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ – છિંદવાડા બેઠક
- કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર – મોરેના
- પ્રહલાદ પટેલ – નરસિંહપુર
- ફગ્ગન સિંહ કુલસ્તે – નિવાસ
- ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય – ઈન્દોર-1
- ભાજપના સાંસદ રાકેશ સિંહ, ગણેશ સિંહ અને રીતિ પાઠક પણ મેદાનમાં છે.
- જયવર્ધન સિંહ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના પુત્ર – રાઘોગઢ
- અજય સિંહ, પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પુત્ર – ચૂરહાટ સીટ
2018 વિધાનસભા ચૂંટણી પરિણામો
મધ્યપ્રદેશમાં 2018માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 114 બેઠકો, ભાજપને 109, BSPએ 2 અને અપક્ષો અને અન્યોએ 5 બેઠકો જીતી હતી. જે બાદ કોંગ્રેસે બસપા અને અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ 2020માં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોના બળવા બાદ ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.