દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી.
UPI ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો
RBIના નવા નિર્ણય બાદ હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે. નવી પોલિસી અનુસાર હવે આ જગ્યાઓ પર UPI દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.
લોનના હપ્તામાં કોઈ જ રાહત નહિ
ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.
મોંઘવારી દર 5.40 ટકા રહેશે
શક્તિકાંત દાસે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024માં દેશમાં છૂટક મોંઘવારી દર માત્ર 5.40 ટકા રહેશે. ઓગસ્ટ 2023માં આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ ઘટાડીને 5.40 ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કાચા તેલની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે. આમ છતાં RBIએ મોંઘવારી દરના અંદાજમાં વધારો કર્યો નથી. દાસે કહ્યું કે સપ્લાય ચેઇન જેવા ખાદ્ય મોંઘવારી વધવા પાછળ અન્ય ઘણા કારણો છે. ફુગાવા અંગે અંદાજ આપતાં સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.20 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.