ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. માત્ર એક જ વર્ષમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે. ટુંક જ સમયમાં ભૂપત ભાયાણી ભાજપનો કેસરિયા કરશે. આ સાથે જ ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત થઇ છે.
ભૂપત ભાયાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદ પરનું રાજીનામું સોંપ્યુ છે. આ સાથે જ આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે જીતેલી 5 બેઠકમાંથી હવે ચાર બેઠક જ બચી છે.
રાજીનામું આપ્યા બાદ નિવેદન
રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યુ છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યુ છે.હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને પ્રજાના કામ કરવા છે. તેમણે જણાવ્યુ કે હું પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો.ભાજપમાં 22 વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે. તમામ કાર્યકરો સાથે વાત કરીને નિર્ણય લીધોઃતેમણે ભાજપમાં જોડાવાની પણ જાહેરાત કરી.
કોણ છે ભૂપત ભાયાણી ?
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય તરીકે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા.તેઓ સ્થાનિક વિસ્તારમાં 108 તરીકેની ઓળખ ધરાવે છે. 2022માં ભાજપ માટે તેઓ જાયન્ટ કિલર બન્યા હતા. સરપંચથી ધારાસભ્ય સુધી તેમણે રાજકીય સફર ખેડેલી છે. વર્ષ 2017 સુધી ભૂપત ભાયાણી ભાજપમાં જ હતા. જો કે 2022માં તેઓ ‘આપ’માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ આ પહેલા જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે સરપંચ પદેથી ભાયાણીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ભૂપત ભાયાણીને પૂર્વ CM વિજય રૂપાણીના નિકટના નેતા માનવામાં આવે છે.
રાજીનામાની શું અસર થશે ?
આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને હવે 4 થઇ ગયુ છે. ત્યારે હવે વિસાવદર બેઠક ખાલી થતા અહીં ફરીથી ચૂંટણી યોજાશે. જેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ વર્તાશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિસાવદરની ખાલી વિધાનસભા બેઠક પર પણ 6 મહિનામાં જ ચૂંટણી યોજાશે.