ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ તિથિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવાયેલ સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાતમાં ગુડ ગવર્નન્સ દર્શાવતી ફિલ્મ “ગુજરાત મોડલ – સુશાસનની કર્મભૂમિ” નિહાળવામાં આવી હતી.
આ પ્રસંગે સુશાસનની આગવી પરિભાષા આપતા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે “સરકારી કર્મી કર્મયોગી બન્યા છે અને તેનો લાભ ગુજરાતની જનતા લઈ રહી છે તે જ સુશાસનની સાચી સાબિતી છે.” રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત શ્રેષ્ઠ, ઈમરજીંગ અને એસ્પાયરિંગ વિભાગો તથા વડી કચેરીઓને મુખ્ય મંત્રી, મંત્રી કુબેર ડિંડોર તથા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના સંપૂર્ણ ડિજીટલાઈઝેશન તરફના પ્રયાણના ભાગરૂપે શરૂ કરાયેલ “કર્મયોગી HRMS 2.0” એપ્લિકેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે ગુડ ગવર્નન્સ ઈનિશીએટીવ અંતર્ગત સરકારના વિવિધ ચાર વિભાગની પાંચ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુાશાસન દિવસની ઉજવણીના અનુસંધાને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ જિલ્લાની સ્વચ્છ કચેરીઓને શ્રેષ્ઠ, ઈમરજિંગ અને એસ્પાયરીંગ કચેરીની કેટેગરીમાં જિલ્લા વિકાસ અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને નાયબ વાણિજ્ય વેરા કમિશનરની કચેરીને શ્રેષ્ઠ કેટેગરીમાં પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, નાયબ બાગાયત નિયામકની કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેર એમજીવીસીએલની કચેરી, અને પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીની કચેરીને ઇમર્જિંગ કેટેગરીના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લાની મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, કાર્યપાલક ઇજનેર એમજીવીસીએલની વિભાગીય કચેરી, નાયબ નિયામક વિચરતી જાતિની કચેરી, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવલ સર્જનની જનરલ હોસ્પિટલ, નાયબ કાર્યપાલક ઇજનેર એમજીવીસીએલ નડિયાદ ગ્રામ્યની કચેરી, મદદનીશ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી, જિલ્લા તિજોરી અધિકારીની કચેરી, જિલ્લા બાળ અને મહિલા વિકાસ અધિકારીની કચેરી, નાયબ નગર નિયોજકની કચેરી તથા જિલ્લા માહિતી કચેરીને એસ્પાયરિંગ કચેરી તરીકે પ્રમાણે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાની કચેરીઓના વડા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.