પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા પશુપાલકોને નફાકારક પશુપાલન, કિસાન ક્રેડીટ કાર્ડ (પશુપાલન), અને સ્વતંત્ર પશુપાલનના વ્યવસાયના અભિગમ અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકારશ્રીની શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજનામાં ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાને પસંદ થયેલ ડુમરાલ ગામના પશુપાલક શ્રી યોગેશભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિબિરમાં તાલુકા પંચાયત નડિયાદના પ્રમુખ દ્વારા પશુપાલનના વ્યવસાયમાં મહિલાના યોગદાન થકી સ્ત્રી સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામક તથા પશુચિકિત્સા અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુચિકિત્સક દ્વારા પશુપાલનના વિવિધ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માહિતી આપવામાં આવી.
આ શિબિરમાં વિવિધ ગ્રામ્ય લેવેલથી બહોળી સંખ્યામાં પશુપાલકોએ હાજરી આપી હતી.