કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની અપીલ કરી હતી.
હરિયાણામાં પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાને એક્સ પર વિભાજનકારી અને નેગેટિવ રાજકારણ બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. હરિયાણાના દેશ ભક્ત લોકો કોંગ્રેસની આ નીતિનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ એટલે દલાલ અને જમાઇની સિંડિકેટ. તેમણે આ નિવેદન રોબર્ટ વાડ્રાના સંદર્ભમાં આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૪થી ૨૦૧૪ના કોંગ્રેસના શાસનમાં સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાની સંડોવણી ધરાવતી જમીન સમજૂતીઓ અંગે વિવાદ ઉભો થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે પિતા-પુત્રના રાજકારણનો મુખ્ય ઉદ્દેશ અંગત સ્વાર્થ છે. આ નિવેદનથી વડાપ્રધાને હૂડા અને તેમના સાંસદ પુત્ર દીપેન્દર સિંહ હૂડાને નિશાન બનાવ્યા હતાં. કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર લડયા કરે છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય પણ સ્થિર સરકાર આપી શકે તેમ નથી. લોકો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ જોઇ રહ્યાં છે. આ નિષ્ફળતાઓ જોયા પછી હરિયાણાના લોકો ઇચ્છતા નથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓએ અનામત સમાપ્ત કરવાનું નિવેદન આપીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. હરિયાણાના પછાત અને દલિત સમુદાય જાતિ આધારિત હિંસા રોકવામાં અસફળ રહેવા બદલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે.