આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે. મૂડીઝે બુધવારે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.
બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.
આર્થિક વૃદ્ધિમાં ફરી તેજીનો આશાવાદ
ફુગાવો ઘટી 4.5 ટકા થશે
નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ 6.3-6.8 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર 2024 ત્રિમાસિકમાં ઘટી 5.6 ટકા થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને 6.2 ટકા થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના 4.8 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2025-26માં 4.5 ટકા થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને અંકુશમાં લેવા માટે મે, 2022થી ફેબ્રુઆરી, 2023 સુધી વ્યાજના દરમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો. જો કે, ફુગાવામાં રાહત મળતાં RBIએ ફેબ્રુઆરી 2025માં તેનો પોલિસી રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો.