એસજી હાઈવે પર વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીના રસ્તે ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, જેના પરિણામે 11 ઓગસ્ટ 2025થી આ માર્ગ પર 6 મહિનાનો ટ્રાફિક પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આશરે 1.2 કિમી લાંબો આ માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે, કારણ કે અહીં ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યના કારણે વાહનચાલકોને વળાંકા લઈને 2 કિલોમીટર લાંબો રસ્તો પસાર કરવો પડશે.
ટ્રાફિકનું આયોજન પણ નવી રીતે ગોઠવવામાં આવ્યું છે. સરખેજ તરફથી કર્ણાવતી ક્લબ જનાર વાહનચાલકો માટે રસ્તો બદલાયો છે. તેઓએ હવે વાયએમસીએ ક્લબ ચાર રસ્તેથી ડાબી તરફ વળી ભગવાન સર્કલ સુધી જવાનું રહેશે, ત્યારબાદ જમણી તરફ વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) તરફ અને ત્યાંથી ફરી જમણી તરફ વળીને કર્ણાવતી ક્લબ અને એસજી હાઈવે તરફ આગળ વધવું પડશે.
ટ્રાફિક પોલીસ અને ફ્લાયઓવર બનાવતી કંપનીએ સંયુક્ત રીતે રસ્તા પર વ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે સર્વે પૂર્ણ કર્યો છે. રસ્તા પર ટ્રાફિક જવાનોની પણ નિમણૂક કરવામાં આવી છે જેથી ટ્રાફિક જામ ન થાય. મહત્વની વાત એ છે કે ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માર્ગ યથાવત્ ખુલ્લો રહેશે.
પ્રહલાદનગર વિસ્તારથી કર્ણાવતી ક્લબ તરફ જનાર વાહનચાલકો માટે બે વૈકલ્પિક રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ એ છે કે પ્રહલાદનગરથી ડાબી તરફ વળી વાયએમસીએ તરફ જઈને ત્યાંથી અંદરના રોડ મારફતે કર્ણાવતી ક્લબ પહોંચી શકાય. બીજો વિકલ્પ એ છે કે પ્રહલાદનગર ચાર રસ્તેથી જમણી તરફ વળી સર્વિસ રોડ પર આગળ વધીને સીધા કર્ણાવતી જંક્શન પહોંચી શકાય.
આ માર્ગબંધીને કારણે રોજિંદા મુસાફરો, ખાસ કરીને ઓફિસ જનાર લોકો અને સરખેજ-પ્રહલાદનગર જેવી હાઈડેનસિટી વિસ્તારોના નાગરિકોને થોડો સમય વધારે લઈને જ માર્ગનો ઉપયોગ કરવો પડશે. પરંતુ ફ્લાયઓવર પૂર્ણ થયા પછી આ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ ઓછું થશે અને મુસાફરી સરળ બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel