વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા અને ભારત–અમેરિકા સંબંધોને ખાસ ગણાવ્યા હતા. તેના પ્રતિસાદ રૂપે વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધો પ્રત્યેના તેમના સકારાત્મક અભિગમની પ્રશંસા કરું છું અને તે જ આત્મીયતા સાથે તેનો પ્રતિસાદ આપું છું.” મોદીએ આ સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે એક ઊંડો, સકારાત્મક અને ભવિષ્યદર્શી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે માત્ર દ્વિપક્ષીય સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF
— Narendra Modi (@narendramodi) September 6, 2025
ટ્રમ્પે થોડા દિવસો પહેલાં વોશિંગ્ટન DCમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ હંમેશા મોદી સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખશે. તેમના શબ્દોમાં, “હું હંમેશા મોદીના મિત્ર રહીશ. તેઓ એક મહાન વડા પ્રધાન છે, એક મહાન વ્યક્તિ છે… હાલ તેઓ જે કરી રહ્યા છે તેમાંથી કેટલીક બાબતો મને ગમતી નથી, પરંતુ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો સંબંધ ખૂબ ખાસ છે અને તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” આ નિવેદનને આંતરરાષ્ટ્રીય રાજકીય નિરીક્ષકો દ્વારા મહત્વપૂર્ણ માનવામાં આવ્યું, કારણ કે તાજેતરમાં જ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી કે જેમાં તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા ચીન સામેની રણનીતિમાં ભારત અને રશિયા ગુમાવી ચૂક્યું છે. બાદમાં તેમણે આ નિવેદનને નરમ પાડતાં કહ્યું કે તેમણે એવો અર્થ કરવાનો નહોતો અને હકીકતમાં તેઓ મોદીને સારી રીતે ઓળખે છે અને તેમની સાથે સારા સંબંધો છે.
મોદીની આ પ્રતિક્રિયા ભારત–અમેરિકા સંબંધોમાં સ્પષ્ટતા લાવે છે. ભારતની દૃષ્ટિએ અમેરિકા માત્ર એક વ્યૂહાત્મક ભાગીદાર જ નહીં, પરંતુ આર્થિક, ટેકનોલોજી, રક્ષા, અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટેનો એક અગ્રણી સહયોગી દેશ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે અનેક કરારો, રક્ષા ક્ષેત્રમાં સહયોગ, ઉર્જા ભાગીદારી અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. આ પરિપ્રેક્ષ્યમાં મોદીની પ્રતિક્રિયા માત્ર વ્યક્તિગત મિત્રતા સુધી મર્યાદિત નથી, પરંતુ તે ભારત–અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની દિશામાં સંકેત આપે છે.
આ સમગ્ર પરિસ્થિતિથી સ્પષ્ટ થાય છે કે તાત્કાલિક નિવેદનોમાં ફેરફારો હોવા છતાં, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની દિશા મજબૂત અને સ્થિર છે. મોદીએ જાહેર કરેલી પ્રતિક્રિયા એ વાતને પુષ્ટિ આપે છે કે ભારત આ સંબંધને લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોના પરિપ્રેક્ષ્યમાં જોવે છે અને તે વિશ્વસ્તરે બંને દેશોની ભૂમિકા વધુ મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel