ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી કરાયેલા વિસ્તૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સાજિદ મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો, પરંતુ તેણે વર્ષ 1998માં ભારત છોડી ઑસ્ટ્રેલિયામાં વસવાટ શરૂ કર્યો હતો. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સાજિદ અથવા તેના પુત્ર નાવિદના કટ્ટરપંથી બનવામાં ભારત અથવા તેલંગાણાની કોઈ સ્થાનિક પરિસ્થિતિ, વિચારધારા કે પ્રભાવની ભૂમિકા નથી. પોલીસ તપાસ દરમિયાન હૈદરાબાદમાં રહેતા તેના પરિવારજનો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે સાજિદનો પરિવાર સાથે સંપર્ક અત્યંત મર્યાદિત હતો.
ઑસ્ટ્રેલિયા ગયા બાદ છેલ્લા 27 વર્ષમાં તે માત્ર છ વખત જ ભારત આવ્યો હતો અને ત્યારે પણ મુખ્યત્વે મિલકત સંબંધિત કામ, પારિવારિક મુદ્દાઓ અથવા પોતાના વૃદ્ધ માતા-પિતાને મળવા માટે જ આવ્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2009માં તેના પિતાના અવસાન સમયે પણ સાજિદ ભારત આવ્યો નહોતો અને તેણે પોતાની 80 વર્ષીય બીમાર માતાની તબિયત વિશે પણ લાંબા સમય સુધી કોઈ પૂછપરછ કરી નહોતી. સાજિદે ઑસ્ટ્રેલિયામાં યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા બાદ ત્યાં જ સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પરિવાર નારાજ થયો અને સંબંધો તોડી નાખ્યા હતા. સાજિદના બે સંતાનો છે—પુત્ર નાવિદ અકરમ અને એક પુત્રી.
ગોળીબારીની ઘટનામાં નાવિદ સાજિદ સાથે સામેલ હતો અને હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. સાજિદ પાસે ભારતીય પાસપોર્ટ હતો, જ્યારે તેના બંને બાળકો ઑસ્ટ્રેલિયાના નાગરિક છે. તેલંગાણા પોલીસ મુજબ, પરિવારજનોને સાજિદની કોઈ કટ્ટરપંથી વિચારસરણી અથવા પ્રવૃત્તિ વિશે કોઈ જાણકારી નહોતી અને 1998 પહેલાં તેના વિરુદ્ધ ભારતમાં કોઈ આપરાધિક કે નકારાત્મક રેકોર્ડ પણ નોંધાયેલો નથી.
આ હુમલામાં કુલ 15 લોકોનાં મોત થયાં, જેમાં એક 10 વર્ષની બાળકી અને નાઝી હિટલરના નરસંહારમાંથી બચી ગયેલા 87 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે સાજિદને ઠાર કરવામાં આવ્યો હતો, જ્યારે નાવિદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઑસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર, સાજિદ અને નાવિદ બંને પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ની વિચારધારાથી પ્રભાવિત હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel