અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ આગ બાદ સમગ્ર બિલ્ડિંગમાં ઘન ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે ઉપરના માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા.
8મા અને 9મા માળે લોકો ફસાયા, ધાબા પર પહોંચ્યા
આગ અને ધુમાડાના કારણે અનેક લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પર પહોંચી ગયા હતા. ખાસ કરીને 8મા અને 9મા માળે કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી અને પ્રાથમિક તબક્કામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
મલ્ટિપલ ફાયર સ્ટેશનની ટીમો તૈનાત
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમોને મોકલવામાં આવી હતી. કુલ 3 ગજરાજ, 2 મીની ફાયર ફાઈટર અને 25થી વધુ ફાયર કર્મચારીઓએ મળીને વિશાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગે સતત કામગીરી ચલાવીને અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ફાયર અધિકારીઓ દ્વારા આગને કાબૂમાં લેવા અને બિલ્ડિંગમાં ફેલાયેલા ધુમાડાને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ પણ કેટલાક લોકો ઉપરના માળે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમને સલામત રીતે બહાર કાઢવા માટે સઘન કામગીરી ચાલુ છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગની આ ઘટનાએ શહેરમાં સલામતી અને ફાયર સિક્યોરિટી મુદ્દે ફરી ચર્ચા જગાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel