જામનગરની સ્પેશિયલ TADA અદાલતે 1993ના 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા હથિયાર સ્મગલિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 4 મે, 2026ના રોજ ન્યાયાધીશ આર.પી. મોગેરાએ આ મહત્વપૂર્ણ કેસમાં 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે.
આ કેસમાં 10 દોષિતોને 5 વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડ ફટકારાયો છે, જ્યારે 2 મુખ્ય દોષિતોને 7 વર્ષની સખત કેદ તથા ₹8,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પુરતા પુરાવાના અભાવે 17 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેસ 1993થી ચાલતો હતો અને લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે, જેને ન્યાયપ્રણાલીની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
દોષિત જાહેર કરાયેલા આરોપીઓ
કોર્ટે નીચેના 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે:
ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંધાર, એહમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ મેમણ, ઈફતેખાર અંસારી, મહંમદ અયુબ ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઈસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખ.
મુખ્ય સૂત્રધાર હજુ ભાગેડુ જાહેર
આ ઘાતક કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે જાણીતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, ટાઇગર મેમણ, અનીશ ઈબ્રાહીમ, છોટા શકીલ અને અનવર સાંબા સહિત કુલ 15 આરોપીઓને કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
શું હતું સમગ્ર કાવતરું?
1992માં થયેલા બાબરી મસ્જિદ ધ્વંસ બાદ ભારતમાં આતંક ફેલાવવાના ઇરાદાથી આ કાવતરું રચાયું હતું. અંડરવર્લ્ડ નેટવર્ક દ્વારા પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સી અને લશ્કરી તંત્રની મદદથી આ યોજના અમલમાં મુકાઈ હતી.
કરાંચી નજીકથી ‘સદા અલ બહાર’ લૉન્ચ મારફતે RDX, 150થી વધુ આધુનિક હથિયારો, રાઈફલો અને હેન્ડ ગ્રેનેડનો જથ્થો ગુજરાતના પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો સુરત, વલસાડ, ઉત્તર પ્રદેશ અને મુંબઈ સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં થયો હતો.
કેસની પૃષ્ઠભૂમિ
આ સમગ્ર કાવતરું બહાર આવતા 15 જુલાઈ 1993ના રોજ જામનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ કેસમાં TADA એક્ટ, IPC, Arms Act અને Explosive Substances Act હેઠળ કુલ 46 આરોપીઓ સામે કેસ નોંધાયો હતો.
- 11 આરોપીઓનું કેસ દરમિયાન અવસાન થયું
- 6 આરોપીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- હવે 12 આરોપીઓને સજા ફટકારવામાં આવી
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel