વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા.
યોગેશ પટેલ વડોદરાના સૌથી કદાવર અને લોકપ્રિય નેતાઓમાં ગણાતા હતા. તેઓ સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પોતાના રાજકીય જીવનમાં ક્યારેય ચૂંટણી હાર્યા નહોતા. તેઓ ભાજપમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 2, 2026
તેમણે 1990માં જનતા પાર્ટીથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં 1995માં ભાજપમાં જોડાયા હતા. તેઓ વડોદરાની રાવપુરા બેઠક પરથી પાંચ વખત અને માંજલપુર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
યોગેશ પટેલ માત્ર રાજકારણી નહીં પરંતુ જનપ્રતિનિધિ તરીકે લોકોમાં ખૂબ લોકપ્રિય હતા. વડોદરામાં લોકો તેમને પ્રેમથી ‘કાકા’ તરીકે સંબોધતા હતા. શહેરના પ્રશ્નો માટે તેઓ હંમેશા સક્રિય રહેતા અને પોતાની જ સરકાર સામે પણ નિર્ભયતાથી અવાજ ઉઠાવતા.
તેમનો સંબંધ સામાજિક અને ધાર્મિક ક્ષેત્ર સાથે પણ ગાઢ રહ્યો હતો. નવરાત્રિ, ગણેશોત્સવ જેવા તહેવારોમાં તેઓ સક્રિય ભાગ લેતા હતા. સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની સ્થાપના તેમનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી @yogeshpatelmos ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન… pic.twitter.com/xRrGjJyblf
— Jagdish Vishwakarma (@iJagdishBJP) June 2, 2026
યોગેશ પટેલ નવ નિર્માણ આંદોલન દરમિયાન પણ સક્રિય રહ્યા હતા અને વિદ્યાર્થીઓના હિત માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. તેમણે પોતાના જીવનની શરૂઆત વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અને વડોદરા વિકાસ મંચથી કરી હતી.
તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
તેમના અવસાનથી ગુજરાત વિધાનસભાની એક બેઠક ખાલી થઈ છે, જેના કારણે હવે વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel