તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીએ સમગ્ર કાર્યક્રમની એક રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી જયંતીના દિવસે ઝારખંડથી આ ઉજવણીની જાહેરાત કરી હતી. મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના મસીહા ભગવાન બિરસા મુંડાએ માં ભોમકા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હતું. માત્ર ૨૫ વર્ષની ઉંમરે તેમણે હિંદુ અને સનાતન ધર્મ માટે તેમજ દેશના ખમીર અને સંસ્કૃતિને ઉજાગર કરવા પોતાના જીવનની કુરબાની આપી હતી.
એક ક્રાંતિકારી અને દેશભક્ત તરીકે તેમણે અંગ્રેજો સામે પણ બાથ ભીડી હતી. જય જોહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ… સૂત્ર આપી નીડરતા, ખુદ્દારી અને ખુમારીનો લલકાર કર્યો હતો. આપણે તેમના કાર્યોને યાદ કરવા જોઈએ જેના માટે જનમન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય કક્ષાએ ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવ તરીકે ઓળખાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ડાંગના આહવા ખાતેથી વિધિવત પ્રારંભ કરાવવાના છે.
આ મહોત્સવમાં વિરાસતનું ગૌરવ અને જનજનની ગાથા જેવા પ્રોગ્રામ આજથી ૨૭ દિવસ સુધી શબરીધામથી અંબાજી સુધી ૫૩ તાલુકાઓમાં, ૫ હજાર ગ્રામ પંચાયત અને ૧ કરોડ આદિવાસી બાંધવોને આવરી લેતા આ મહાભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ મહાભિયાનમાં લોક કલ્યાણના ૨૦ વર્ષના કાર્યોની ગાથા, આપણી સંસ્કૃતિ અને વિરાસત, ટ્રાઈબલ ફોરમ, કળાકારીગીરી, લોકલ ટુ ગ્લોબલ ફોરમ, ઉદ્યોગ સાહસિકો, કારીગરોના કૌશલ્યોનું પ્રદર્શન, આદિવાસી કળા અને દેશી ધાન્યને પ્રસ્તુત કરતી યાત્રાઓ ૧૪ જિલ્લાઓમાં તબક્કાવાર યોજાશે. શામળાજી, દેવરાજધામ, અંબાજી જેવા સ્થળોએ ખાસ ફ્લેગશીપ પ્રોગ્રામ કરવામાં આવશે. આ સ્થળોએ જુદા જુદા વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સના નિરિક્ષણ તેમજ વિકાસ રથનું પણ મહાનુભાવો પ્રસ્થાન કરાવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે પ્રસ્તુત માહિતી આપી સૌને પોતાના જીલ્લામાં આવા કાર્યક્રમમાં જોડવા આહવાન કર્યું હતું.
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ કરાવવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)