ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે એબીવીપીના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી, રસ્તા રોકો તથા સદ્દબુદ્ધિ હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ હતા.
રાજ્યની ૨૮ ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવેલ છે. આ સંદર્ભે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ માત્ર એક શરૂઆત છે અને જો માંગ સરકાર નહિ સ્વીકારે તો આવનારા સમયમાં મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવશે અને વિદ્યાર્થીઓના હિત માટે દરેક કાર્યકર લડત આપતો રહેશે તેમ જણાવ્યું હતું, પાલનપુરમાં વિરોધ પ્રદર્શનમાં એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશ જોષી નાનોલ, બનાસકાંઠા જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, યુવરાજ જાની, ધવલ દેસાઈ, જય માળી, થરાદના પિન્ટુભાઈ પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માં જોડાઈ રસ્તો ચક્કાજામ કરતા પ્રમુખ કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા.