અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના થયા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત માટે 10 ઑક્ટોબરે દિલ્હી પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં બંને દેશો વચ્ચેની રાજકીય, આર્થિક અને સુરક્ષા સંબંધોની ચર્ચા કરવામાં આવી. આ બેઠક દરમિયાન મુત્તાકીએ ખાસ કરીને સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો અને કહ્યું કે, ‘ઈસ્લામિક અમીરાત કોઈપણ તૃતિય પક્ષને અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ અન્ય દેશો સામે કરવા અથવા ધમકી આપવા મંજૂરી આપશે નહીં.’ તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અફઘાનિસ્તાન ક્યારેય ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું નથી અને હંમેશા ભારત સાથે સારા અને મજબૂત સંબંધો જાળવવા પ્રયાસ કર્યો છે.
મુત્તાકીએ ભારતની પ્રશંસા કરી અને જણાવ્યું કે, ‘અફઘાનિસ્તાન ભારત સાથે પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત મજબૂત મિત્રત્વ ઇચ્છે છે.’ તેમણે ઉલ્લેખ કર્યો કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાના કબજા દરમિયાન અનેક ઊંચ-ચઢાવ આવ્યા, પરંતુ તે સમયે પણ ભારત હંમેશા અફઘાનિસ્તાનની સાથે ઊભું રહ્યું અને મુશ્કેલ પરિસ્થિતિમાં માનવતાવાદી સહાય પહોંચાડનાર પ્રથમ દેશ રહ્યું. ખાસ કરીને ભૂકંપની સ્થિતિમાં ભારત દ્વારા કરવામાં આવેલી માનવતાવાદી મદદને તેઓએ મહત્વપૂર્ણ માન્યું અને જણાવ્યું કે, આ પ્રકારની કામગીરી અફઘાનિસ્તાનના લોકો માટે ભારતને એક વિશ્વસનીય અને નજીકનો મિત્ર બનાવે છે.
આ ઉપરાંત મુત્તાકીએ દુબઈમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે થયેલી બેઠક અને સંપર્કનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, દિલ્હી મુલાકાત દરમિયાન થયેલી સફળ વાતચીત અને સમજણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેઓએ જણાવ્યું કે, ભારત-અફઘાનિસ્તાન સંબંધ ફક્ત વ્યાપાર સાથે મર્યાદિત નથી, પરંતુ તેમાં સંસ્કૃતિ, રમતગમત, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે, જે બંને દેશોને સામૂહિક રીતે જોડે છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ખોલવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે, અને બંને દેશો આ પ્રયાસ દ્વારા એકબીજાની સુરક્ષા, પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક કક્ષાની સહયોગિતા વધારવા માટે પ્રતિબદ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel