શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓએ એકબીજા સાથે હળીમળીને વાતચીત કરી અને ત્રિપક્ષીય એકતાનો સંદેશ આપ્યો. વિશ્વ રાજનીતિમાં વધતી ગતિશીલતાઓ વચ્ચે આ દ્રશ્યને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે તે દર્શાવે છે કે એશિયાના ત્રણ મોટા દેશો વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા માટે તૈયાર છે. આ પરિસ્થિતિમાં, ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પણ ચર્ચાનો મુદ્દો બની.
એસસીઓ સમિટ દરમિયાન જ અમેરિકાના દૂતાવાસે એક મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી, જેમાં ભારત સાથેની પોતાની મિત્રતા અને ભાગીદારીને ખાસ કરીને યાદ અપાઈ. પોસ્ટમાં લખાયું હતું કે અમેરિકા અને ભારત વચ્ચેની ભાગીદારી 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંની એક છે, જે સતત નવી ઊંચાઈઓ પર પહોંચતી રહી છે. આ સંબંધો માત્ર આર્થિક ક્ષેત્રમાં નહીં પરંતુ ઈનોવેશન, ઉદ્યોગ, સંરક્ષણ અને દ્વિપક્ષીય સહકાર જેવા ક્ષેત્રોમાં પણ ઊંડો પ્રભાવ ધરાવે છે. પોસ્ટમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન પણ જોડવામાં આવ્યું હતું, જેમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચેની ગાઢ મિત્રતા એ જ સંબંધોના મજબૂત પાયાનો આધાર છે.
The partnership between the United States and India continues to reach new heights — a defining relationship of the 21st century. This month, we’re spotlighting the people, progress, and possibilities driving us forward. From innovation and entrepreneurship to defense and… pic.twitter.com/tjd1tgxNXi
— U.S. Embassy India (@USAndIndia) September 1, 2025
આ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં દ્વિપક્ષીય સહકાર અને ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ખરીદી મુદ્દે ભારત પર દબાણ વધાર્યું હતું અને વધારાના 25 ટકા ટેરિફ લાદ્યા હતા, જેના કારણે ભારત હાલ 50 ટકા ટેરિફનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, રશિયા સાથેનો ઊર્જા સંબંધ જાળવવો ભારત માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે.
બીજી તરફ, વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરી, જે આશરે એક કલાક સુધી ચાલી. બેઠકમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત વિશ્વાસ અને સન્માનના આધાર પર સંબંધોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. શી જિનપિંગે પણ સકારાત્મક સંકેતો આપતા જણાવ્યું કે ભારત અને ચીન ‘હરીફ’ નહીં પરંતુ ‘વિકાસના ભાગીદાર’ છે. મતભેદો હોવા છતાં તેને વિવાદમાં ફેરવવા ન જોઈએ, પરંતુ સહયોગના માધ્યમથી ઉકેલવા જોઈએ. મોદીએ જિનપિંગને 2026માં ભારત દ્વારા યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું, જેને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા મળી શકે છે.
આ સમગ્ર ઘટનાઓ દર્શાવે છે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં ભારત કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. એક તરફ અમેરિકા સાથેની મિત્રતાને નવી ઊંચાઈ મળી રહી છે, તો બીજી તરફ રશિયા અને ચીન સાથેના સંબંધોને સંતુલિત રીતે આગળ ધપાવવાની કોશિશ થઈ રહી છે. આ બહુદિશાત્મક કૂટનીતિ ભારતની “વસુધૈવ કટુંબકમ્”ની નીતિને વધુ મજબૂત બનાવે છે અને તેને વૈશ્વિક સ્તરે એક જવાબદાર નેતા તરીકે પ્રસ્તુત કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel