બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી
ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં.
નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓ યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાની અસરકારક અમલવારી, ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને નાગરિકોના આરોગ્ય-પોષણને વિશેષ પ્રાધાન્ય આપવા માટે સમિતિના દરેક સભ્યોને રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખનાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં કરવામાં આવી રહેલી કામગીરી અને પ્રગતિનો ચિતાર કલેક્ટર એસ.કે.મોદી સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કર્યું હતું. ટી.બી. ફોરમ કમીટી દ્વારા જિલ્લામાં નવા ક્ષયરોગ, ટ્રુ-નાટ મશીન, દર્દીઓની ઓળખ અને સારવાર-પોષણ માટે કરવામાં આવી રહેલી કામગીરીનો વિગતવાર ચિતાર આપ્યો હતો.
ટી.બી. મુક્ત ભારત અભિયાન એ હવે સરકારની સાથે દરેક નાગરિકની વ્યક્તિગત ભાગીદારીનું એક પ્રેરક ઉદાહરણ બન્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં ટી.બી.ના દર્દીઓની ઓળખ અને યોગ્ય સારવાર-પોષણ માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેમાં સહભાગી થનાર શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધિઓને તેમના બહુમૂલ્ય યોગદાન માટે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કલેક્ટર મોદીએ ડિસ્ટ્રીકટ ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ કમીટી દ્વારા સગર્ભા-ધાત્રી માતાઓ અને કુપોષિત બાળકો માટે પોષણ સુધારવા માટેના સકારાત્મક પગલાંઓની ઝીણવટપૂર્ણ જાણકારી મેળવીને કામગીરીના પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ (NVHCP) કમીટી, ડિસ્ટ્રીકટ લેવલ ક્વોલિટી એસ્યોરન્સ કમીટી, કોમ્યુનીટી સિસ્ટમ સ્ટ્રેન્થેનીંગ (HIV) કમીટી જેમાં એચઆઈવી દર્દીઓ માટે કાઉન્સેલિંગ, દવાઓની સુલભતા અને સમાજમાં જાગૃતિ વધે તે દિશામાં થઈ રહેલી કામગીરી વિષે સમિતિના સભ્યો દ્વારા વિગતવાર માહિતી મેળવીને કામગીરીની સમીક્ષા કરી હતી.
વધુમાં, કલેક્ટરએ જિલ્લામાં બ્લડ બેન્કની સુવિધાઓ, બ્લડ સ્ટોરેજ તેમજ બ્લડ ડોનેશન માટે જાગૃતિ અભિયાન, માતા અને બાળ મૃત્યુને અટાકવવા તથા કેસોની સમીક્ષા કરી હતી. જિલ્લા ફરીયાદ નિવારણ (DGRC-PMJAY) કમીટીને આયુષ્માન ભારત યોજના હેઠળ આવતી ફરિયાદોના નિવારણ અને લાભાર્થીઓને સુવિધા પુરી પાડવા અંગે કલેક્ટર મોદીએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ડિસ્ટ્રીક ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઈઝેશન અને ડીસ્ટ્રીક્ટ કમીટી ફોર એડોલેશન્ટ હેલ્થ કમીટીના સભ્યોએ પણ કામગીરીનો ચિતાર કલેકટર મોદી સમક્ષ રજૂ કર્યો હતો.
નોંધનીય છે કે, ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનાવવા, પોષણ અભિયાન તથા રસીકરણ અંગે ગ્રામ્યસ્તરે વ્યાપક જાગૃતિ વધે તે દિશામાં કામગીરી કરવા માટે પણ કલેક્ટરએ કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. દર્દીઓના પરિવારજનો પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં, અને જિલ્લામાં આરોગ્ય સેવાઓ, સારવાર અને સુવિધાઓ અંગેના પોતાના પ્રતિભાવ પ્રસ્તુત કર્યા હતા.
આ બેઠક દ્વારા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતાં. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી, એ.ડી.એચ.ઓ. હેતલ ચૌધરી, ઇ.એમ.ઓ. ડો. આર.એસ.કશ્યપ, નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.કે.સુમન સહિત તમામ ટી.એચ.ઓ. મેડિકલ ઓફિસર, સહિત આરોગ્યનો સ્ટાફ, સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel