રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ ‘એડી-ચોટી’નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર કરેલા અયોગ્ય શબ્દ પ્રહારોએ વાતાવરણમાં વંટોળ જગાવી દીધો છે. તેમના આ અયોગ્ય શબ્દ પ્રહારો સામે વળતો હુમલો કરતા હોય તેમ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાહુ અને કેતુ સમાન છે.
શાહે કહ્યુ કે, દેશ સમક્ષ આજે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તે કોંગ્રેસ અને ગાંધી પરિવારને લીધે ઊભી થઈ છે. તેઓએ કહ્યું રાજસ્થાને લોકસભાની તમામ ૨૫ બેઠકો ભાજપને આપી તેથી મોદીજીને ચંદ્રયાન દ્વારા ચંદ્ર ઉપર ભારતનો ત્રિરંગો લહેરાવાની શક્તિ મળી. નવી સંસદમાં માતાઓ અને બહેનોને ૩૩ ટકા આરક્ષણ આપવા તેમણે ચોવીસ-ચાવીસ કલાક કામ કર્યું. પરંતુ આ ગેહલોત સરકાર શું કરી રહી છે ? રોજેરોજ રેપના ૧૯ કેસો આવે છે. દેશમાં થતા બળાત્કારોમાં ૨૨ ટકા તો રાજસ્થાનમાં થાય છે.
આ સાથે પેપર-લીકનો પ્રશ્ન પણ ઉઠાવતાં તેમણે ૪૦ લાખ યુવાનો સાથે વિશ્વાસઘાત કરવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ મુકતાં કહ્યું કે, આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સમર્થકોને સરકારી નોકરીઓ મળે તે માટે કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર રાજ્યમાં બનશે તો ભ્રષ્ટાચાર અને પેપર લીક સહિત તમામ મામલાની તપાસ કરાવશે.
લાલ-ડાયરીનો મુદ્દો ઉઠાવતાં તેમણે કહ્યું કે, તમે લાલ પાઘડી પહેરો, અશોક ગેહલોત સમક્ષ ન જતા કારણ કે તેથી તેમને લાલ-ડાયરીની યાદ આવશે.