પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુનિયા આ એશ્ચર્યમાંથી બહાર આવે તે પહેલાં ચીનના રાજદ્વારીઓએ ગયા મહિને પહેલી વખત નાગપુરમાં આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હોવાના સમાચાર આવ્યા છે.
આરએસએસ વડા મોહન ભાગવત બહાર હોવાથી ચીનના રાજદ્વારીઓની મુલાકાત થઈ શકી નહીં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોટાભાગે ચીનની વિસ્તારવાદી નીતિની ટીકા કરતું રહે છે. આવા સમયમાં ચીનના રાજદ્વારીઓ ગયા મહિને પહેલી વખત નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પહોંચ્યા હતા. ચીનના રાજદ્વારીઓએ પહેલી વખત કોઈ હિન્દુવાદી સંગઠનની મુલાકાત લીધી છે. આરએસએસ – મુખ્યાલયમાં ચીનના રાજદ્વારીઓ સંઘના સ્થાપક હેડગેવાર સ્મૃતિ મંદિરમા ગયા હતા. આરએસએસના એક અધિકારીએ – ચીનના રાજદ્વારીઓના પ્રવાસની પુષ્ટી કરી હતી.
યુરોપીયન દેશોના રાજદ્વારીઓ આરએસએસના અધિકારીઓને મળતા રહે છે, પરંતુ પહેલી વખત કમ્યુનિસ્ટ શાસનવાળા ચીનના રાજદ્વારીઓએ તેમની મુલાકાત કરી છે.જોકે, આ સમયે સંઘ પ્રમુખ મોહન ભાગવત પ્રવાસથી બહાર હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી નહોતી. ચીનના આ રાજદ્વારીઓ મીડલ રેન્કના હતા, જે મોટાભાગે દિલ્હી અને મુંબઈમાં નિયુક્ત છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના રાજદ્વારીઓની આ મુલાકાત સામાન્ય હતી. તેઓ સંઘનું કામકાજ સમજવા મુખ્યાલય પહોંચ્યા હતા.