ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલાં એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક વાઘ હોવાની વાતો વહેતી થઈ છે, જેને કારણે ફરી એક વાર રાજ્ય વન્યજીવ વિભાગ હરકતમાં આવ્યું છે. અમે છોટાઉદેપુર જિલ્લાના રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી તપાસ કરતા વાઘના પંજાના નિશાન જોવા મળ્યા હોવાની પુષ્ટિ કરી છે, જોકે આ પહેલા જોવા મળેલો જ વાઘ છે કે વધુ એક વાઘની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે તે હજુ તપાસનો વિષય છે, ત્યારે આ મામલે વન વિભાગે શું કહ્યું ચાલો વિગતવાર જાણીએ.
વિગતવાર વાત કરીએ તો, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની સરહદે આવેલ દાહોદ અને છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલું રતનમહાલ જંગલમાં તાજેતરમાં એક વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ ગુજરાત રાજ્યના વન વિભાગે કરી હતી. વન વિભાગના કહેવા મુજબ, આ વાઘ ફેબ્રુઆરી 2025માં પ્રથમ વખત દેખાયો હતો, જે મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે બાદ મે 2025થી તે કેમેરા ટ્રેપમાં વારંવાર કેદ થયો હતો અને નવેમ્બર 2025માં તેના 9 મહિનાના સતત વસવાટની પુષ્ટિ વન વિભાગે કરી હતી અને આ મામલે ફોટા-વીડિયો પણ જાહેર કર્યા હતા.
ગુજરાતમાં વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ થતા વન વિભાગે આ વાઘ કેન્દ્ર સરકાર પાસે વાઘણની માંગ કરી હતી. જેથી ગુજરાતમાં ટાઈગર હેબિટેટ ફરી વિકસાવી શકાય અને 25 વર્ષ પહેલા ગુજરાતમાંથી લુપ્ત થયેલા વાઘને હવે ફરી એકવાર અહીં સ્થાયી કરાવી શકાય, જોકે આ માંગ હજુ તો યથાવત જ છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના આ જ વિસ્તારમાં બીજો વાઘ આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને રાજ્યમાં વધુ એક વાઘ આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
છોટાઉદેપુરના દાહોદ પંથકમાં આવેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વાઘના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે. સ્થાનિક વસ્તી અને વન કર્મચારીઓએ આ નિશાનોની રિપોર્ટ કરી, જે રતનમહાલ જંગલના આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે વન વિભાગના સૂત્રો અનુસાર, આ પહેલા જોવા મળેલા વાઘનું વિસ્તાર વધારવાનું હોઈ શકે કે પછી તે મધ્યપ્રદેશ જઈને પાછો આવ્યો હોય. પરંતુ અહીં વાઘની શક્યતા પણ નકારી શકાય નહીં, કારણ કે મધ્યપ્રદેશમાં મોટી માત્રામાં વાઘોની વસ્તી છે અને તેઓ સરળતાથી ગુજરાતમાં પ્રવેશી શકે છે.
આ અંગે વધુમાં છોટાઉદેપુર DCF (નાયબ વન સંરક્ષણ) રૂપક સોલંકીએ આ બાબતે વધુમાં જણાવ્યું કે, “છોટાઉદેપુર જિલ્લાના દાહોદ પંથકમાં આવેલા જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર વાઘના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે. જે અંગે અમારી વન વિભાગની ટીમ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને આગામી સમયમાં આ અંગેના વધુ પુરાવા મળશે, ત્યારે તેને મીડિયા સમક્ષ રાખવામાં આવશે. જોકે હાલની પરિસ્થિતિ મુજબ આ વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિને નકારી ન શકાય!” આમ વન અધિકારીએ વાઘ હોવાના સંકેતો આપ્યા છે, પરંતુ ખરેખર આ વાઘ પહેલા આ વિસ્તારમાં દેખાયેલો જ વાઘ છે કે એ સિવાયનો વધુ એક વાઘ અહીં જોવા મળ્યો છે તે અંગેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel