દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ લદ્દાખના દ્રાસમાં કારગિલના શહિદો અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.
આર્મી ચીફે કહ્યું કે, “જ્યાં સુધી આપણા વીર સૈનિકો છે, ત્યાં સુધી ભારતની અખંડિતતા અને એકતા અડગ રહેશે.” તેમણે જણાવ્યું કે, કારગિલ વિજય દિવસ માત્ર લશ્કરી વિજય નહીં, પણ રાષ્ટ્રીય સમર્પણ અને દ્રઢ સંકલ્પનો ઉત્સવ છે. તેમના કહેવા મુજબ, “આ દિવસ આપણા માટે એક વચન છે – આપણે હંમેશા સતર્ક રહીએ અને કોઈ પણ પ્રકારના ઘાતકી ઈરાદાને સફળ થવા ન દઈએ.”
સેના પ્રમુખે તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “આટલી વખત સ્પષ્ટ કરી દીધું છે કે આતંકને આશ્રય આપનારને હવે નહીં છોડવામાં આવે.” તેમણે ખુલાસો કર્યો કે આ ઓપરેશનમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરી નષ્ટ કરવામાં આવ્યા હતા, અને આ દરમિયાન કોઈ નિર્દોષ નાગરિકને નુકસાન ન થયું.
#WATCH | Dras, Kargil | Addressing the 26th Kargil Vijay Diwas celebrations, Chief of Army Staff Gen Upendra Dwivedi says, "The forces that are conspiring to harm India's sovereignty, integrity and people, will be given a befitting reply in the future too, this is the new normal… pic.twitter.com/EeETvgBVAM
— ANI (@ANI) July 26, 2025
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર ભારતનો સંકલ્પ, સંદેશ અને સચોટ જવાબ છે“, અને દેશભરના નાગરિકો અને રાષ્ટ્રપ્રેમીઓની સાથે આ ઓપરેશન સમગ્ર રાષ્ટ્ર માટે શૌર્યનું પ્રતિક બની રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હવે ભારતીય સેના સ્પેશ્યલ દળોની રચના કરી રહી છે – જેમ કે ‘રુદ્ર’ ઓલ આર્મ્સ બ્રિગેડ અને ‘ભૈરવ’ લાઇટ કમાન્ડો બટાલિયન, તેમજ લશ્કરની એર ડિફેન્સ સિસ્ટમને હવે સ્વદેશી શસ્ત્રોથી સજ્જ બનાવવામાં આવી રહી છે. ડ્રોન પ્લાટૂન, લોઇટર મ્યુનિશન, અને દિવ્યાસ્ત્ર બેટરીના માધ્યમથી સેનાની લડાયક ક્ષમતા અનેકગણું વધારવામાં આવી રહી છે.
કારગિલ વિજય દિવસ, જનરલ દ્વિવેદી અનુસાર, “માત્ર લશ્કરી નહીં, રાષ્ટ્રીય ઉજવણી છે.” આજના દિવસે તેમણે ટોલોલિંગ, ટાઇગર હિલ અને પોઇન્ટ 4875 જેવી ઊંચાઇઓ તરફ ઈશારો કરતાં કહ્યું કે “અમે ફક્ત યુદ્ધને નહીં, પરંતુ આપણા યોદ્ધાઓના સંકલ્પ અને શૌર્યને યાદ કરીએ છીએ.”
આ રીતે કારગિલના શૌર્યનું સ્મરણ અને ભવિષ્ય માટેની તૈયારી બંનેનો સંકલન આ ઉજવણીમાં જોવા મળ્યું, જેમાં ભારતની સેના અને જનતા બંનેએ એકસાથે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો.