રાજસ્થાનમાં ૨૫મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બારણ જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક છે. આજે રાજસ્થાનનું દરેક બાળક પણ કહી રહ્યું છે કે ગેહલોતજી તમને મત નહીં મળે.
મોદીએ બારણ ઉપરાંત કોટા અને કારૌલી જિલ્લામાં પણ જાહેર સભાઓ યોજી હતી. રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થાને લઇને મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાને કહ્યું હતું કે દેશના વિકાસમાં સૌથી મોટા અવરોધકો ત્રણ છે, જેમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રિજાવાદ, તૃષ્ટીકરણનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાક્ષસો કોંગ્રેસના પ્રતિક છે. ગેહલોત પર પ્રહારો કરતા મોદીએ કહ્યું હતું કે જાદુગર કાળો જાદુ કરી શકે છે. જોકે રાજસ્થાનની જનતા પર આ જાદુની કોઇ જ અસર નહીં થાય. કોંગ્રેસના શાસનમાં વિનાશનો સામનો કરી રહેલા લોકોમાં વર્તમાન સરકાર પ્રત્યે રોષ વધ્યો છે. કોંગ્રેસ રાજસ્થાનને ફરી બિમારુ રાજ્ય બનાવવા માગે છે.
બીજી તરફ ચૂંટણીની જાહેરાતોને લઇને ભાજપે કોંગ્રેસ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ મંત્રી રવી શંકર પ્રસાદની આગેવાનીમાં ભાજપનું ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું હતું અને એવી ફરિયાદ કરી હતી કે કોંગ્રેસની મિસકોલ મારો અને સમર્થન આપો વાળી જાહેરાત અયોગ્ય છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી રહી છે.