આજે ડેડીયાપાડાના મૈદાનમાં હજારો આદિવાસી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓની મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનું મુખ્ય કારણ ચૈતર વસાવા સહિતના AAP નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓ પ્રત્યેનું કથિત અપમાનજનક વર્તન અને જાહેર જીવન તેમજ સોશિયલ મીડિયા પર દેખાતી તેમની અભદ્ર માનસિકતા હતી.
આદિવાસી મહિલાઓએ એકઠી થઈને “અમારું સમ્માન, અમારો અધિકાર” અને “આદિવાસી સમાજ નહીં સાંખે અપમાન” જેવા નારા લગાવ્યા. સ્થાનિક મહિલા આગેવાન જણાવ્યું, “આદિવાસી મહિલાઓનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન નહીં થાય. અમે જાગૃત છીએ અને અમારી માતૃશક્તિ આવા ઈસમોને જવાબ આપશે.” પ્રદર્શનકારીઓએ AAP નેતાઓ પાસેથી જાહેર માફી અને ન્યાયની માંગ કરી.
આ પ્રદર્શનમાં મહિલાઓની એકતા અને હિંમતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. સ્થાનિક આદિવાસી સમુદાયે આ ઘટનાને ગંભીર ગણાવી, આવા વર્તન સામે એકજૂટ થઈને લડવાનો સંકલ્પ દર્શાવ્યો. આયોજકોએ ચેતવણી આપી કે જો ન્યાય નહીં મળે તો આગળનું આંદોલન વધુ તીવ્ર કરવામાં આવશે.