વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યા છે અને કેટલાય ઘાયલ થયા છે. આ બ્રિજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહત્વપૂર્ણ પુલ હતો. 1985માં નિર્મિત આ બ્રિજની હાલત જર્જરિત હોવા છતાં વર્ષોથી તેનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે સમારકામ અંગે અનેક વખત રજૂઆતો થયા હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા આજે વિપરિત પરિણામ સ્વરૂપે દુર્ઘટના બની છે.
ઘટનાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરતાં તત્કાલ તપાસની કામગીરી શરૂ કરાવવાની જાહેરાત કરી છે. તેમણે X (ટ્વિટર) પર જણાવ્યુ હતું કે, “ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીના બે ગાળા તૂટી પડ્યા છે, જે ખૂબ દુઃખદ ઘટના છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ પીડિતોના પરિવારજનો માટે હું પ્રાર્થના કરું છું.” સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓએ વડોદરા કલેક્ટર સાથે સીધી વાતચીત કરીને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર આપવા સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ઘટનાની ગંભીરતા દૃષ્ટિએ ચીફ એન્જિનિયર (ડિઝાઇન), ચીફ એન્જિનિયર અને પુલ નિર્માણ ક્ષેત્રે કાર્યરત બે ખાનગી નિષ્ણાત ઇજનેરોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી પુલ તૂટી પડવાના સાચા કારણોનું નિદાન કરી શકાય.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.
ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ઘટનાની જાણ કરી હોવાનું કહ્યું અને જણાવ્યું કે, પીએમ મોદીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તત્કાલ રાહતના પ્રયાસોની વિસ્તૃત માહિતી પણ લીધી છે. બીજી તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મિડિયામાં નિવેદન આપતાં જણાવ્યું કે, સરકારે ઘટનાની ગંભીરતા દૃષ્ટિએ હાઈ-લેવલ કમિટીની રચના કરી છે અને તે કમિટી ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી ગઈ છે. તેમણે ખાતરી આપી કે પુલ તૂટી પડવા પાછળ જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાશે અને દોષિત તંત્રને છૂટ આપવામાં નહીં આવે.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
ઘટનાસ્થળે હાલમાં પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઇજનેરો અને સુરક્ષા દળો પુલના કાટમાળમાંથી બચી ગયેલા લોકોની શોધખોળમાં જોડાયેલા છે. બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો— ટ્રક, કાર અને બાઈક—સીધા નદીમાં ખાબક્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ અધિકૃત ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ બાદ વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે અને રાજ્ય સરકાર દ્વારા તપાસના આધારે જવાબદારી નક્કી કરીને પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.