રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, સંસદ ભવનમાં એક કલાક ચાલેલી આ બેઠકમાં નવી સરકાર અને મંત્રીમંડળની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા બાદ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે 16 ફેબ્રુઆરી પછી દિલ્હી સરકારની રચના કરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ધારાસભ્યોની બેઠક થશે, જેમાં વિધાનસભાના નેતાની પસંદગી કરવામાં આવશે.
દિલ્હીના નવા ચૂંટાયેલા 10 ધારાસભ્યોએ કરી બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે બપોરે દિલ્હીના 10 નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક સંસદ ભવનમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ધારાસભ્ય અનિલ શર્મા, શિખા રાય, સતીશ ઉપાધ્યાય, અરવિંદર સિંહ લવલી, વિજેન્દ્ર ગુપ્તા, અજય મહાવર, રેખા ગુપ્તા, ડૉ. અનિલ ગોયલ, કપિલ મિશ્રા, કુલવંત રાણા હાજર રહ્યા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આમાંથી કેટલાક લોકોને નવી સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.