NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપક શનિવારે (6 જૂન, 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાના સમર્થકોને જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી હતી.
અભિજીત દીપકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે અને જંતર-મંતર ખાતે તમામ સમર્થકોને મળવા માટે આતુર છે. તેમણે પ્રદર્શન દરમિયાન સમર્થકોને પુસ્તકો અને રાષ્ટ્રધ્વજ સાથે આવવા તેમજ ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓને ફૂલ ભેટ આપવાની અપીલ કરી હતી. દીપકે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર આંદોલન પ્રેમ, શાંતિ અને લોકશાહી માધ્યમોથી ચલાવવામાં આવશે.
સમર્થકોને સવારે 9 વાગ્યે એકત્ર થવા અપીલ
અભિજીત દીપકે પોતાના સમર્થકોને સવારે 9 વાગ્યે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સામે એકત્ર થવા માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અનેક સ્થળોએ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસનો સત્તાવાર પત્ર આવ્યો સામે
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે દિલ્હી પોલીસનો એક સત્તાવાર પત્ર સામે આવ્યો છે, જેમાં CJPના સ્થાપક અભિજીત દીપકને 6 જૂન, 2026ના રોજ જંતર-મંતર ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી આપવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
નવી દિલ્હી જિલ્લા કચેરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ADCP) તરફથી જારી કરાયેલા પત્ર મુજબ, અરજીની સમીક્ષા કર્યા બાદ નિર્ધારિત શરતો અને નિયમોના પાલન સાથે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
Delhi Police has granted permission to the Cockroach Janata Party to hold a protest at Jantar Mantar pic.twitter.com/oEqZQZ3fA5
— IANS (@ians_india) June 6, 2026
‘વન-ટાઇમ એક્ઝેમ્પશન’ તરીકે મંજૂરી
પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મંજૂરી ‘વન-ટાઇમ એક્ઝેમ્પશન’ના આધારે આપવામાં આવી છે. એટલે કે, આ મંજૂરી માત્ર આ એક કાર્યક્રમ માટે મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં અન્ય કાર્યક્રમો માટે અલગથી મંજૂરી લેવી પડશે.
હવે પ્રદર્શન યોજાવું લગભગ નિશ્ચિત
દિલ્હી પોલીસના સત્તાવાર પત્ર બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જંતર-મંતર ખાતે યોજાનાર NEET પેપર લીક વિરોધી કાર્યક્રમને પ્રશાસનની મંજૂરી મળી ચૂકી છે. તેથી નિર્ધારિત સમયગાળા દરમિયાન આ પ્રદર્શન યોજાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
NEET પેપર લીક મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જંતર-મંતર ખાતે યોજાનાર આ વિરોધ પ્રદર્શન પર હવે સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel