આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે મંગળવારે વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા નડિયાદ શહેરમાં જંગી જાહેરસભા અને એ બાદ સમર્થન રેલી યોજી ઉમેદવાર ડભાણ રોડ પરની કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ 26 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. જે માટે 12મી એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે બપોરે 12:39 કલાકે નડિયાદ કલેકટર કચરી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. તેમની સાથે પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ સાથે સંગઠનના ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રી, ખેડા લોકસભા બેઠકના પ્રભારી, પ્રદેશ અને જિલ્લાસંગઠનના પ્રતિનિધિઓ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પૂર્વે સવારે 9:30 કલાકે નડિયાદના ઈપકોવાળા હોલ પરિસરમાં વિજય વિશ્વાસના સંકલ્પ સાથે વિશાળ જનસભા યોજાઈ હતી.
જેમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ, ખેડા લોકસભા વિસ્તારની સાતેય વિધાનસભાના ધારાસભ્યો પૈકી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય, મહેમદાવાદ ધારાસભ્ય, મહુધાના ધારાસભ્ય, કપડવંજ ધારાસભ્ય, ધોળકાના ધારાસભ્ય, દસક્રોઈ ધારાસભ્ય, કપડવંજ વિધાનસભા વિસ્તારના પ્રભારી સહિત તમામ વિધાનસભા વિસ્તારના પ્રભારીઓ,બેઠક સંયોજક અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)