એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઔદ્યોગિકપતિ અનિલ અંબાણી સામે મોટા બેન્ક લોન કૌભાંડ મામલે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રૂ. 17,000 કરોડના આ કથિત લોન કૌભાંડમાં EDએ દેશની અંદરના 12થી 13 સરકારી તથા ખાનગી બેન્કોને પત્ર લખીને વિગતો માંગેલી છે. આ પત્રમાં રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને આપવામાં આવેલી લોન સંબંધિત માહિતી, લોન મંજૂરીની પ્રક્રિયા, અને રિકવરી પરિપ્રેક્ષ્યમાં વિગતો આપવાની માંગ કરાઈ છે.
EDએ જે બેન્કોને પત્ર લખ્યો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, યુકો બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે. જો આ બેન્કો તરફથી સંતોષકારક જવાબો નહીં મળે તો તેમને સમન્સ પણ પાઠવી શકાય છે. ED પાંચ ઓગસ્ટે અનિલ અંબાણીની પણ પૂછપરછ કરશે.
આ અગાઉ પણ EDએ અનિલ અંબાણી ગ્રુપની 50 જેટલી કંપનીઓ અને લોકો પર કાર્યવાહી કરતું RAAGA સાથે જોડાયેલા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે રિલાયન્સ ગ્રૂપે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને રૂ. 68.2 કરોડની નકલી બેન્ક ગેરંટી આપી હતી અને તેના માટે એસબીઆઈના ડોમેન જેવી દેખાતી નકલી ઈમેઈલ આઈડી પણ વાપરવામાં આવી હતી.
સાથે સાથે ED 2017થી 2019 દરમિયાન યસ બેન્ક દ્વારા રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને આપવામાં આવેલી રૂ. 3000 કરોડની લોનમાં થયેલી કથિત હેરાફેરીની પણ તપાસ કરી રહી છે. આ લોન ફ્રોડ માટે ફેક કંપનીઓ અને બનાવટી ઇનવોઇસીસ દ્વારા લોન મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કેસને લઈને ઈડીએ અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે.
આ પ્રકરણ અનિલ અંબાણી માટે ગંભીર મુશ્કેલીઓ સર્જી શકે છે કારણ કે EDની કાર્યવાહી હવે તેમની પાસેના તમામ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ તરફ આગળ વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel