ભારતીય ચૂંટણી પંચ (ECI)
દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભાની તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે આ પ્રક્રિયા થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી હતી.
હવે આ તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતા, ચૂંટણી પંચે બાકી રહેલા 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ મહત્વપૂર્ણ અભિયાનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રીજા તબક્કા હેઠળ અંદાજે 40 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે.
આ તબક્કામાં
દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, હરિયાણા અને તેલંગાણા જેવા મોટા રાજ્યો સહિત કુલ 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. આ અભિયાન પૂર્ણ થતાં સમગ્ર દેશની મતદાર યાદીનું વ્યાપક શુદ્ધિકરણ પૂર્ણ થશે.
ચૂંટણી પંચે પહેલાથી જ આ અભિયાનના બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિત 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. આ તબક્કાઓ બાદ નોંધપાત્ર આંકડાઓ સામે આવ્યા છે.
બીજા તબક્કાની શરૂઆતમાં આ વિસ્તારોમાં કુલ 50.99 કરોડ મતદારો હતા, જે શુદ્ધિકરણ બાદ ઘટીને 45.81 કરોડ થયા છે. એટલે કે આશરે 5.18 કરોડ નામો મતદાર યાદીમાંથી દૂર કરાયા છે, જે કુલ મતદારોના લગભગ 10.2 ટકા જેટલા થાય છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મૃતક મતદારો, ડુપ્લિકેટ નામો અને નિયમ વિરુદ્ધ નોંધાયેલા મતદારોને દૂર કરવાનો છે. અત્યાર સુધીમાં લગભગ 66.88 લાખ મૃતક મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં 25.47 લાખ અને પશ્ચિમ બંગાળમાં 24.16 લાખ નામો હટાવવામાં આવ્યા છે.
આ સિવાય, વાંધા અરજીઓ અને કાયદેસરની પ્રક્રિયા બાદ 63.16 લાખથી વધુ ગેરકાયદેસર નામો પણ રદ કરવામાં આવ્યા છે. હાલમાં દેશના કુલ 99 કરોડ નોંધાયેલા મતદારોમાંથી લગભગ 60 કરોડ મતદારો આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં જ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને તૈયારી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ત્રીજો તબક્કો પૂર્ણ થયા બાદ ભારતની મતદાર યાદી વધુ પારદર્શક, સચોટ અને વિશ્વસનીય બનશે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel