ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિગેડ જવાનોને બોલાવતા ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના સ્ટેશન રોડ પર લવલી પાનની બાજુમાં આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ધર્મશાળામાં પ્રવેશવાનો માત્ર એક જ માર્ગ હોવાથી, ફાયર કર્મચારીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.