નર્મદા જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૩જી થી ૧૭મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી પખવાડીયું-૨૦૨૪ અને દિવાળી તહેવારને ધ્યાને લઈને કરવાની થતી કામગીરી નિમિતે નર્મદા જિલ્લામાં અંદાજે ૪૫ લારી-ગલ્લા, મિઠાઈ-ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ, બેકરી વગેરેમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી કુલ-૬૨ જેટલાં ખાદ્ય નમુના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
ટીમ દ્વારા આ તપાસ દરમિયાન ધ્યાને આવેલી અંદાજે કુલ ૧૨૦ કિલો અખાદ્ય ચીજોના જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરાવામાં આવ્યો હતો. અખાદ્ય ચીજોમાં કોકોનટ, રાઈસ, લોટ, તુવેરદાળનો જથ્થો અને અન્ય પ્રવાહી ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજે કિમંત રૂપિયા ૧૮ હજાર જેટલી થાય છે.
અત્રે નોંધનીય છે કે, ટીમ દ્વારા થઈ રહેલી તપાસ દરમિયાન અમીન કિરાણા સ્ટોર-ગુરુડેશ્વરમાંથી મરચું પાવડર (લુઝ) શંકાસ્પદ લાગતા તેનો નમુનો લઈને બાકી રહેતો જથ્થો અંદાજે ૧૩ કિલો જેની કિંમત રૂપિયા ૩૬૪૦/- નો જથ્થો જપ્ત કર્યો હતો. અન્ય એક પેઢી હરસિધ્ધી દુગ્ધાલય રાજપીપળામાંથી શંકાસ્પદ ઘી ના નમુના લઈને બાકી રહેતો જથ્થો અંદાજે ૮૩ કિલો જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૩૧૨૦/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારને ધ્યાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.