સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
શું છે ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ ?
કેનેડા ભારતીયો અને ખાસ કરીને શિખો માટેનું એક મોટું હબ છે. ભારતના અનેક પરિવારો કેનેડા જઈને સ્થાયી થયા છે પરંતુ કેનેડામાંથી સમયાંતરે અમુક અસામાજિક, આમ તો આતંકવાદ સંબંધિત પણ કહેવાતી પ્રવૃતિઓ અમુક ખાલિસ્તાનઓ અલગ રાજ્યની માંગણી સાથે કરી રહ્યાં છે.
કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ‘ભારત સરકારના એજન્ટો’ સામેલ હતા. જોકે ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કેનેડાના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે ભારતે દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવાની માંગ પણ કરી હતી.
ટ્રુડોના નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢતા, ભારતે કેનેડાના સિનિયર ડિપ્લોમેટને 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાએ તેના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી હતી અને તેના જવાબમાં ભારતે પણ કેનેડા માટે આવી જ એડવાઈઝરી બહાર પાડી હતી. બાદમાં ભારતે કેનેડા સ્થિત ભારતના વિઝા એપ્લિકેશન સેન્ટરની સેવાઓ સસ્પેન્ડ કરી દીધી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “કેનેડા વિઝા આપવામાં ભેદભાવ કરે છે. વિઝા સેવા બંધ કરવા પાછળનો હેતુ કેનેડિયન નાગરિકોને ભારતમાં આવતા રોકવાનો નથી. જેમની પાસે વિઝા છે તેઓ આવી શકે છે પરંતુ અમારા ડિપ્લોમેટની સુરક્ષાના કારણોસર વિઝા સર્વિસ સ્થગિત કરવામાં આવી છે.”
આ ઘટનાક્રમ બાદ કેનેડિયન નાગરિકો માટે ઇ-વિઝા સર્વિસ બંધ કરવામાં આવી હતી. જોકે હવે બે મહિના બાદ ભારતે ફરી એકવાર વિઝા સેવાઓ શરૂ કરી છે. ભારતનું આ પગલું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક પૂર્વે એક સકારાત્મક છે.