ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇઝરાયેલ જવાબદાર છે. હમાસે તો એવું પણ જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં 15 પેલેસ્ટિનિયનો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે અને લગભગ 6 લાખ લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. જોકે, ઇઝરાયેલી સશસ્ત્ર દળો (IDF) એ આ દાવાઓને નકારી કાઢ્યાં છે અને જણાવ્યું છે કે ગાઝામાં હાલ કોઇ દુકાળ જેવી સ્થિતિ નથી.
ઇઝરાયેલી સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “ગાઝા પટ્ટીમાં માનવીય સહાય પહોંચાડવામાં થોડા વિલંબ થયો છે, પણ તેની પાછળનું મુખ્ય કારણ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય સંગઠનો છે, જેમણે અત્યાર સુધી લગભગ 950 ટ્રકો સહાય સામગ્રીના ભરેલા હોવા છતાં તે ગાઝાની અંદર પહોંચાડ્યા નથી.” અધિકારીએ જણાવ્યું કે આટલા ટ્રક અઢળક સમયથી બોર્ડર પર અટકાવવામાં આવ્યા છે, જેને કારણે સહાય લોકો સુધી પહોંચી નથી શકી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઇઝરાયેલ તરફથી માનવીય સહાય પહોંચાડવાનું રોકાયું નથી, પણ હમાસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વચ્ચેના સંકલનના અભાવના કારણે હાલની મુશ્કેલીઓ ઊભી થઈ છે.
🎥 WATCH: 950 trucks worth of aid, currently waiting in Gaza❗️for international organizations to pick up and distribute to Gazan civilians. This is after Israel facilitated the aid entry into Gaza. pic.twitter.com/aQTR7Sryhs
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) July 22, 2025
અધિકારીએ હમાસ પર પણ ગંભીર આરોપ મૂક્યો કે તે આવી દવાઓ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ઈઝરાયેલ સામે નકારાત્મક ધ્રુવીકરણ કરવા માંગે છે. ઇઝરાયેલના દાવા મુજબ, હમાસના લોકો પૂર્વે પણ સહાય મળેલી સામગ્રીને કબ્જામાં લઈ તેનું કાળાબજારીમાં વેચાણ કરતા હતા. ઉદાહરણ તરીકે, ભારત દ્વારા મોકલાયેલા બિસ્કિટના પેકેટો હમાસના માણસો ગાઝાની બજારમાં 500 ગણી કિંમતે વેચતા હોવાની માહિતી પણ મળી આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે હમાસ માનવીય સંકટને ઢાલ બનાવીને એક તરફ ઇઝરાયેલને દોષારોપણ કરી રહ્યો છે અને બીજી તરફ સહાયના ખોટા દાવાઓ કરીને આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઇઝરાયેલ તરફથી માનવીય સહાય માટેના માર્ગ ખુલ્લા છે, પણ તેનું યોગ્ય વિતરણ થતું નથી, અને જેના માટે હમાસ તથા સંયુક્ત રાષ્ટ્રના સહયોગમાં ઉણપ મોટી જવાબદાર છે.