ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોસમ ફરી એકવાર વિનાશક રૂપમાં સામે આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલુ ધોધમાર વરસાદને પગલે બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત રાજ્યભરના કુલ 72 રોડ બંધ કરવા પડયા છે. ખાસ કરીને ચારધામ યાત્રા પર તેનો ભારે અસર પડી છે, જેના પરિણામે યાત્રા અસ્થાયી રીતે 24 કલાક માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હરીદ્વાર, ઋષીકેશ, રૂદ્રપ્રયાગ અને સોનપ્રયાગ જેવા સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી જિલ્લાના બારકોટ-યમુનોત્રી માર્ગ પર શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાના કારણે એક હોટેલમાં બાંધકામમાં વ્યસ્ત રહેલા નવ મજૂરો પાણીમાં તણાયા છે અને હજુ સુધી તેઓનો કોઇ અહેવાલ નથી. જ્યારે બે સ્થાનિક નાગરિકોના મોત થયા છે. સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યૂ ટીમો સતત શોધખોળ અને બચાવ કામગીરીમાં લાગી ગયાં છે. હાઇવેના મોટા ભાગના વિભાગો ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે અને હજારો લોકો રસ્તામાં અટવાઇ ગયા છે.
ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારમાં ભયાવહ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં અંદાજે 40,000થી વધુ લોકો વિખૂટા પડી ગયા છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, જેને કારણે તંત્ર વધુ સજાગ બન્યું છે.
હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોના મોત નીપજ્યા છે અને અંદાજે ₹300 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનના બનાવો થયા છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. રવિવારના દિવસે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો.
અન્ય રાજ્યોમાં પણ વરસાદથી હાલત બગડતી જાય છે. ઝારખંડના જમશેદપુરના પોટકામાં આવેલી લવ કુશ શાળાના હોસ્ટેલમાં રહેતા 162 બાળકો ભારે વરસાદના કારણે ફસાઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ સહિતના વિસ્તારોમાં પણ 30 જૂનથી 3 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ 28 જૂનથી 2 જુલાઈ સુધી વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
વર્તમાન પરિસ્થિતિમાં સૌથી વધુ અસરગ્રસ્ત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ છે, જ્યાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે માર્ગો બંધ, યાત્રા અટકી અને લોકોના જીવને જોખમ ઉભું થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, પણ ચિંતાજનક વાત એ છે કે વરસાદ હજુ ચાલુ રહેવાની આગાહી છે, જેના કારણે સંભવિત હાનિ વધુ વધી શકે છે. લોકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસ કે યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel