ભારત પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે હવે પરમાણુ ઉર્જાથી ચાલતું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. 6 ઓગસ્ટ 2025ના રોજ રક્ષા મંત્રાલયે “ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025)” જાહેર કરી હતી, જેના અંતર્ગત આગામી 15 વર્ષ માટેની રણનીતિમાં આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ જહાજને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-3 (IAC-3) તરીકે ઓળખવામાં આવશે અને તે કોચીન શિપયાર્ડમાં નિર્માણ પામશે. પરમાણુ શક્તિથી સંચાલિત આ જહાજનું વજન આશરે 65 થી 75 હજાર ટન, લંબાઈ 300 મીટર અને ગતિ પ્રતિ કલાક 55 કિલોમીટર સુધી હશે. આમાં એકસાથે 55 જેટલા વિમાન લઈ જવાની ક્ષમતા હશે, જેમાંથી 40 ફાઇટર જેટ્સ અને 15 હેલિકોપ્ટર્સ હશે. ‘વિશાલ’ નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે, જે તેની વિશાળ શક્તિ અને વ્યૂહાત્મક મહત્વનું પ્રતીક છે. આ જહાજના કાર્યરત થઈ જતાં ભારત અમેરિકા અને ફ્રાન્સ બાદ પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ચલાવનાર દેશોની યાદીમાં સામેલ થશે.
પરમાણુ શક્તિના કારણે INS વિશાલને લાંબા સમય સુધી સમુદ્રમાં રિફ્યુઅલિંગ વિના તહેનાત રાખી શકાય છે. તેમાં લગાડવામાં આવનાર પરમાણુ રિએક્ટર 500-550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જેના દ્વારા ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS), લેસર હથિયારો, હાઈ-એન્ડ રડાર અને સેન્સર્સ કાર્યરત રહી શકશે. EMALSના કારણે ભારે વિમાનો, ડ્રોન અને AEW&C (Airborne Early Warning and Control) સિસ્ટમ્સને સરળતાથી લોન્ચ કરી શકાશે. DRDO પહેલેથી જ 400 કિલોગ્રામ ક્ષમતાવાળા પ્રોટોટાઈપનું પરીક્ષણ કરી ચૂકી છે અને ભવિષ્યમાં તે 40 ટન સુધીના વિમાનોને લોન્ચ કરવા સક્ષમ બનશે. ઉપરાંત, આ જહાજમાં ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ, ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ અને અદ્યતન કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર હશે, જે લડાકૂ વિમાનોના સંચાલન તેમજ યુદ્ધની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય ક્ષમતાને મજબૂત બનાવશે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને વધતા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન પાસે પહેલેથી જ બે એરક્રાફ્ટ કેરિયર્સ — લિયાઓનિંગ અને શોંડોંગ — છે, જ્યારે તેનું ત્રીજું ફુજિયાન EMALS ટેક્નોલોજી સાથે તૈયાર થઈ રહ્યું છે. આગળ જઈને ચીન પણ પરમાણુ સંચાલિત જહાજો બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જે ભારત માટે અરબી સમુદ્રમાં ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સનું સંચાલન જરૂરી માનવામાં આવે છે, જેથી એક જહાજ મેન્ટેનન્સમાં હોય ત્યારે બાકી બેને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે તહેનાત રાખી શકાય.
INS વિશાલ માત્ર એક જહાજ નહીં, પરંતુ ભારત માટે વ્યૂહાત્મક તાકાતનું એવું હથિયાર સાબિત થશે, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા પડકારો સામે ભારતની હાજરી અને પ્રભાવને ઘણો વધારે મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel