ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલાક વધુ ઇઝરાયેલ અને થાઇ બંધકોને આજે મુક્ત કરવામાં આવે તેવી ધારણા છે. દરમિયાન, ઇઝરાયેલી સેના ગેરીલાની માફક અચાનક જ ગાઝામાં હુમલો કરી રહી છે. યુદ્ધવિરામ પછી તરત જ, ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી તેમની કામગીરી ફરી શરૂ કરશે. પરંતુ યુએસ પ્રમુખ જો બાઈડન અને અખાતના દેશો ઈચ્છે છે કે યુદ્ધવિરામનો સમયગાળો લંબાવવામાં આવે જેથી કરીને વધુને વધુ બંધકોને મુક્ત કરી શકાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ બંને યુદ્ધવિરામ ચાલુ રાખવા માંગે છે. વિનાશક યુદ્ધ બાદ, ગત શુક્રવારથી આજે સોમવાર સુધીના ચાર દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ઈઝરાયેલ અને હમાસ દ્વારા બંધકો અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસે અત્યાર સુધીમાં એક અમેરિકન બાળક સહિત 58 બંધકોને મુક્ત કર્યા છે. જ્યારે ઈઝરાયેલ દ્વારા 117 પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને આગળ વધારવા ઇચ્છે છે
ઈઝરાયેલના મીડિયામાં વહેતા થયેલા સમાચાર અનુસાર, હમાસે રવિવારે એક નિવેદન જાહેર કરીને યુદ્ધવિરામ ચાલુ રાખવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ચાર દિવસીય યુદ્ધવિરામ આજે 27 નવેમ્બરને સોમવારે રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે. હમાસ પણ વધુ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાવવાના પક્ષમાં છે અને ઈઝરાયેલ પણ તેના બંધકોને હમાસ પાસેથી મુક્ત કરાવવા માંગે છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન ઉપર વાત કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું હતુ કે, તેમને યુદ્ધવિરામ ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી.
To keep this pause in fighting going beyond tomorrow is our goal – so that we can continue to see more hostages come out and surge more humanitarian relief to those in need. pic.twitter.com/R9RO8OnTmu
— President Biden (@POTUS) November 26, 2023
ઇઝરાયેલ 100 બંધકોને મુક્ત કરવા માંગે છે
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સતત કહી રહ્યા છે કે તેઓ હમાસનો કાંટો કાઢી નાખવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે ગાઝા ભવિષ્યમાં પણ ઈઝરાયેલ માટે કોઈ મુશ્કેલી સર્જે. આ સાથે, તેમણે ગાઝામાં ચાર દિવસના વિરામને લંબાવવાના પક્ષમાંહોવાનો સૂર વ્યક્ત કર્યો છે, જેથી દરરોજ વધુ દસ બંધકોને મુક્ત કરી શકાય. ઇઝરાયેલ આ યુદ્ધ વિરામ દરમિયાન ઓછામાં ઓછા 100 બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો હમાસ દરરોજ દસ બંધકોને મુક્ત કરે છે, તો ઇઝરાયેલે બદલામાં 30 પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધીમાં બંધકોની કરાયેલ મુક્તિ પછી હજુ પણ, 183 બંધકો હમાસની કેદમાં હોવાનું માનવામાં આવે છે. જેમાં 18 બાળકો (8 છોકરીઓ અને 10 છોકરાઓ) અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ આજે સમાપ્ત થાય છે
અત્યાર સુધીમાં 117 પેલેસ્ટિનિયન નાગરિકોને ઈઝરાયેલની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલની જેલોમાં 10 હજાર જેટલા પેલેસ્ટિનિયન નાગરિકો કેદ છે. જેમની કથિત રીતે પશ્ચિમ કાંઠા અને ગાઝામાંથી ધરપકડ કરવામાં આવી હતી. કતારની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામની સંધી થઈ હતી. દરમિયાન, હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના હતા. આજે રાત સુધીમાં કેટલાક વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે અને તે પછી યુદ્ધ વિરામનો સમય સમાપ્ત થશે.