બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ બદલાતા સમીકરણોમાં સૌથી વધુ ચર્ચાતું નામ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનનું છે, જે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનો પુત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનનો મોટો પુત્ર છે.
આશરે 17 વર્ષ લંડનમાં નિવાસ કર્યા બાદ તારિક રહેમાન 25 ડિસેમ્બર 2025ના રોજ બાંગ્લાદેશ પરત ફર્યો છે, અને તેની વાપસી હાલની રાજકીય પરિસ્થિતિને જોતા સામાન્ય ઘટના નથી. વર્ષ 2008થી વિદેશમાં રહેલા તારિક પર ભ્રષ્ટાચાર, હિંસા, રમખાણો અને આતંકી કાવતરાં સહિતના અનેક ગંભીર આરોપો છે અને અનેક કેસોમાં કોર્ટના ચુકાદાઓ પણ આવી ચૂક્યા છે. 2006માં અમેરિકન એમ્બેસી દ્વારા મોકલાયેલા ગુપ્ત કેબલ્સમાં તેને “અત્યંત ભ્રષ્ટ” અને “હિંસક રાજનીતિનું પ્રતીક” ગણાવવામાં આવ્યો હતો, જ્યારે 2016માં બાંગ્લાદેશ હાઇકોર્ટે સિંગાપોરમાં 2.5 મિલિયન ડોલરની હેરાફેરીના કેસમાં તેને દોષિત ઠેરવી 200 મિલિયન ટાકાનો દંડ અને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.
ખાલિદા ઝિયાના શાસનકાળ દરમિયાન ‘હવા ભવન’ તારિકની ઓફિસને ભ્રષ્ટાચાર અને સમાંતર સત્તાનું કેન્દ્ર માનવામાં આવતું હતું અને ‘ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ’ કૌભાંડમાં પણ તેની સંડોવણી હોવાનું મનાય છે. વધુમાં, 2004માં શેખ હસીનાની રેલી પર થયેલા ભીષણ ગ્રેનેડ હુમલામાં 24 લોકોના મોત થયા હતા, જેમાં ઢાકાની કોર્ટે તારિક રહેમાનને કાવતરાખોર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, જો કે શેખ હસીનાની સરકારના પતન બાદ એક મહિનાની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા તેને આ કેસમાં રાહત મળી હતી.
તારિક રહેમાન પર કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સાથે નજીકના સંબંધો હોવાના અને હિંદુ વિરોધી વલણ ધરાવવાના આક્ષેપો પણ થયા છે. ભારતીય ગુપ્તચર તંત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેના નેતૃત્વ દરમિયાન BNP સરકારે ભારતના પૂર્વોત્તર રાજ્યોના આતંકવાદી સંગઠનોને મદદ પહોંચાડી હતી અને 2004ના ચિત્તાગોંગ હથિયાર કાંડમાં પણ તેનું નામ જોડાયું હતું. હાલ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં ચાલી રહેલી વચગાળાની સરકારના સમયમાં, લઘુમતી હિંદુઓ પર હિંસા, મીડિયાની સ્વતંત્રતા પર હુમલા અને ભારત સાથે બગડતા સંબંધોની પૃષ્ઠભૂમિમાં તારિક રહેમાનની વાપસી બાંગ્લાદેશને વધુ કટ્ટરવાદ અને અસ્થિરતા તરફ ધકેલી શકે તેવી ગંભીર ચિંતા રાજકીય અને વ્યૂહાત્મક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel