2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. અગાઉ 10 ડિસેમ્બરે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
જામીન પર નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણનો અનુચ્છેદ 21, એટલે કે જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, સર્વોપરી છે. ટ્રાયલ પૂર્ણ થયા પહેલા કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી જેલમાં રાખવું એ સજા સમાન ગણાઈ શકે નહીં, એવું અદાલતે અવલોકન કર્યું.
આ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ સિવાય ગુલફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબા અહેમદે જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ પાંચેય આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે ખાલિદ અને શરજીલ ઈમામના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. તમામ આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે અગાઉ યુએપીએનો હવાલો આપીને તમામને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો, જેને પડકારતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
Supreme Court denies bail to Umar Khalid, Sharjeel Imam in Delhi riots case
Read @ANI Story | https://t.co/CO1xHOTvMs#UmarKhalid #SharjeelImam #DelhiRiotsCase pic.twitter.com/8FYczYCVWQ
— ANI Digital (@ani_digital) January 5, 2026
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે યુએપીએ એક ખાસ કાયદો છે અને હાઈકોર્ટે તેનો ઉલ્લેખ કરીને જ જામીન ફગાવ્યા હતા. જોકે, અદાલતે એ પણ કહ્યું કે દરેક આરોપીની ભૂમિકા એકસરખી નથી અને તમામને એક જ નજરે જોવી યોગ્ય નથી. કોર્ટના મત મુજબ શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા અન્ય આરોપીઓની સરખામણીએ અલગ અને વધુ ગંભીર દેખાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપરાધની ગંભીરતા ધ્યાનમાં લેવી જરૂરી છે. કોર્ટનું માનવું છે કે રમખાણો દરમિયાન ભીડ એકઠી કરવામાં શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોઈ શકે છે, જે બાબત અન્ય આરોપીઓથી તેમને અલગ પાડે છે.
ચુકાદાની મુખ્ય ટિપ્પણીઓમાં અદાલતે જણાવ્યું કે ટ્રાયલ પહેલાની કસ્ટડીને સજા તરીકે ન જોઈ શકાય. વ્યક્તિની સ્વતંત્રતા છીનવવી એ મનમાની ન હોવી જોઈએ. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે યુએપીએ હોવા છતાં જામીન આપવાની ન્યાયિક સત્તા સંપૂર્ણપણે નકારાતી નથી. જો ટ્રાયલમાં અતિશય વિલંબ થાય, તો વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર મહત્વ ધરાવે છે અને રાજ્યએ લાંબી કસ્ટડી માટે મજબૂત કારણ આપવું પડે.
અદાલતે વધુમાં કહ્યું કે જામીન પર વિચાર કરતી વખતે દરેક આરોપીની વ્યક્તિગત ભૂમિકાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. સૌને સમાન રીતે જોવાથી બિનજરૂરી રીતે ટ્રાયલ પહેલાંની કસ્ટડીને પ્રોત્સાહન મળશે. ન્યાયાધીશોએ ભારપૂર્વક જણાવ્યું કે અદાલત કોઈ વિચારધારાના આધારે નહીં, પરંતુ કાયદાના શાસનના આધારે નિર્ણય કરે છે.
સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે કે કેસની કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવે. ખાસ કરીને સુરક્ષિત સાક્ષીઓની તપાસમાં કોઈ વિલંબ ન થવો જોઈએ, જેથી સમયસર ન્યાય સુનિશ્ચિત થઈ શકે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) અને પ્રસ્તાવિત NRCના વિરોધ દરમિયાન દિલ્હીમાં ભારે રમખાણો થયા હતા. આ હિંસામાં 53 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે આરોપીઓ સામે યુએપીએ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel