અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પહેલા સમૂહે આજે જમ્મુથી યાત્રા આરંભી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર સ્થિત બેઝ કેમ્પ પરથી યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટીમાં પહોંચશે, જોકે મોટા ભાગના શ્રદ્ધાળુઓ માટે યાત્રાની મૌલિક શરૂઆત 3 જુલાઈથી થશે. આ યાત્રા કુલ 38 દિવસ સુધી ચાલશે અને તે બે મુખ્ય રૂટ – પહલગામ અને બાલટાલ મારફતે આયોજિત કરવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના પાવન દિવસે થશે. યાત્રાના રૂટ પર, ખાસ કરીને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓની યાત્રા નિરાધાર અને સુરક્ષિત બની રહે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તાવી રિવરફ્રન્ટ ખાતે તાવી આરતીમાં હાજરી આપીને જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા પર સમગ્ર વિશ્વની નજર છે અને કોઈ પણ પ્રકારનો જોખમ ભક્તોની શ્રદ્ધા અને સંકલ્પને ડગમગાવી નહીં શકે. તેમણે કહ્યું કે આ વર્ષેની યાત્રા તમામ અગાઉની યાત્રાઓ કરતાં વધુ ઐતિહાસિક સાબિત થવાની છે અને તે જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક ગૌરવના પુનરસ્તાપનનો મોકો છે.
હાલમાં જો કોઈ મુદ્દો છે તો તે છે યાત્રામાં ગુજરાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો. અગાઉના વર્ષોમાં જ્યાં ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જતા હતા, તેવા સંજોગોમાં આ વર્ષે માત્ર આશરે 5,000 જેટલાં યાત્રાળુઓ જ અમરનાથ જઈ રહ્યા છે. એપ્રિલમાં પહલગામ ખાતે થયેલા આતંકી હુમલા અને હેલિકોપ્ટર સેવા બંધ હોવાને કારણે યાત્રાળુઓમાં ભય જોવા મળ્યો છે. રજિસ્ટ્રેશન સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે – જેમાં અગાઉ નોંધાયેલા 3.5 લાખ યાત્રાળુઓ સામે હવે માત્ર 85,000 યાત્રાળુઓનું જ રજિસ્ટ્રેશન થયું છે. ગયા વર્ષે 5.10 લાખ યાત્રાળુઓએ યાત્રામાં ભાગ લીધો હતો, જે છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ હતું.
યાત્રા માટે હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, જે રજિસ્ટ્રેશન સાથે જ જોડાયેલું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે 2023માં 455, 2024માં 430 અને હાલ 2025 માટે અત્યાર સુધી માત્ર 234 સર્ટિફિકેટ જ આપવામાં આવ્યા છે. યાત્રા માટે ફિટનેસ ચકાસણીમાં હૃદય, શ્વાસ, અને હાઇએલ્ટિટ્યુડ સંબંધિત તકલીફોની વિશિષ્ટ ચકાસણી કરવામાં આવે છે.
ટૂર ઓપરેટરો પણ યાત્રાળુઓની ઘટેલી રુચિને લઈને ચિંતિત છે. સામાન્ય રીતે દરરોજ 50થી વધુ યાત્રાની ઈન્ક્વાયરી મળતી હોય, ત્યાં હાલ તે માત્ર 1-2 થઈ ગઈ છે. નોંધનીય છે કે ઘણા શ્રદ્ધાળુઓ અમરનાથના સ્થાને કૈલાસ માનસરોવર યાત્રા જેવી વૈકલ્પિક અને આધ્યાત્મિક યાત્રાઓ તરફ વળી રહ્યાં છે. કૈલાસ યાત્રા માટે 12-14 દિવસના પેકેજ 2.5 લાખ રૂપિયા સુધી હોય છે, જેને અપર મિડલ ક્લાસ પણ પસંદ કરી રહ્યો છે.
યોગ્ય આરોગ્ય અને સહનશક્તિ જાળવી રાખવા માટે, અમરનાથ યાત્રા માટે જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં યાત્રાની શરૂઆતના એક મહિના પહેલાંથી યાત્રાળુઓએ દરરોજ 2-3 કિમી ચાલવાનું, હળવો યોગ અને પ્રાણાયામ કરવાની ભલામણ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન ડિહાઈડ્રેશન અને માથાનો દુઃખાવો ન થાય માટે દરરોજ ઓછામાં ઓછું પાંચ લિટર પાણી પીવાનું પણ અનિવાર્ય માનવામાં આવ્યું છે. આ તમામ ઉપાયો શ્રદ્ધાળુઓની યાત્રાને સુખદ અને નિરાપદ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel