ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરીશું. સુપ્રીમ કોર્ટ અમારી કોર્ટ છે. તેના પર અમને વિશ્વાસ છે. મદનીએ કહ્યું કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટનું સન્માન કરવું જોઈએ.
મથુરા અને વારાણસીમાં સર્વેના પ્રશ્ન પર મદનીએ કહ્યું કે સર્વે કરવામાં કોઈ નુકશાન નથી. જો સર્વે સાચો હશે તો ત્યાં મસ્જિદ જ નીકળશે. તેમણે કહ્યું કે અયોધ્યાની જગ્યા અમારી હતી. તેના બદલામાં જો મસ્જિદ માટે જમીન આપવામાં આવે તો તેને લેવાના હકમાં અમે નથી.
અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની માલિકીને લઈને વારાણસીની એક કોર્ટમાં પેન્ડિંગ મૂળ દાવાની સુનાવણી અને જ્ઞાનવાપી સંકુલનો સમગ્ર સર્વે કરાવવાના નિર્દેશને પડકારતી તમામ પાંચ અરજીઓને મંગળવારે ફગાવી દેવામાં આવી હતી.
મંગળવારે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેના માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન મસ્જિદ કમિટિ દ્વારા કરવામાં આવેલી પાંચેય અરજીને ફગાવી દીધી હતી અને 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ અગાઉ હાઈકોર્ટે 8મી ડિસેમ્બરે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.