ભારતીય હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી મુંબઈમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્રમાણે આગામી અઠવાડિયે દક્ષિમી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના થાણે, પાલઘર અને રાયગઢમાં પણ શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદી માહોલ જામશે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આજની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રવિવારે દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. જ્યારે આગામી સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવા વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં નીચા દબાણવાળુ ક્ષેત્ર બનવાથી કમોસમી વરસાદ પડશે
હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક નીચા દબાણવાળુ ક્ષેત્ર બની રહ્યું છે જેની અસરથી અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને કેરળમાં પહેલાથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુમાં તો ભારે વરસાદના કારણે રાજધાની ચેન્નાઈમાં સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હિમાચલના ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાવાની શક્યતા છે. કાશ્મીરમાં અત્યારે ધુમ્મસ છે અને આગામી થોડા દિવસો સુધી એવું જ રહેવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં આવતા અઠવાડિયે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.