AIની સ્પર્ધામાં માઇક્રોસોફ્ટે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. અત્યાર સુધી ગૂગલના જેમિની AI અને OpenAIના ચેટજીપીટીની જ વધારે ચર્ચા થતી હતી, પરંતુ તાજેતરના આંકડા બતાવે છે કે માઇક્રોસોફ્ટના કોપાયલટ AIએ જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. કોમસ્કોર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ માર્ચથી જૂન વચ્ચે કોપાયલટના એક્ટિવ યુઝર્સમાં 175 ટકાનો વધારો નોંધાયો છે. માર્ચમાં 3.2 મિલિયન યુઝર્સ હતાં, જે હવે વધીને 8.8 મિલિયન થઈ ગયા છે. બીજી બાજુ જેમિનીના યુઝર્સમાં 68 ટકાનો વધારો થઈને કુલ 14.3 મિલિયન સુધી પહોંચ્યા છે, જ્યારે ચેટજીપીટીમાં માત્ર 17.9 ટકાનો વધારો થયો છે અને તેના યુઝર્સની સંખ્યા 25.4 મિલિયન છે. જો કે કુલ યુઝર્સની સંખ્યામાં ચેટજીપીટી હજી પણ ટોચ પર છે, પરંતુ માઇક્રોસોફ્ટનો કોપાયલટ જે ઝડપે વધી રહ્યો છે, તેને જોતા ટૂંક સમયમાં તે જેમિનીને ટક્કર આપશે અને ચેટજીપીટીની નજીક પહોંચી જશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
કોપાયલટના યુઝર્સ વધવા પાછળ માઇક્રોસોફ્ટની વિશાળ ઇકોસિસ્ટમનો મોટો હાથ છે. માઇક્રોસોફ્ટે તેને Office 365, Windows, Edge બ્રાઉઝર અને Azure જેવા પ્લેટફોર્મ્સમાં એકીકૃત કર્યો છે. આથી એન્ટરપ્રાઇઝ સેક્ટરથી લઈને સામાન્ય યુઝર્સ સુધી દરેક માટે તેનો ઉપયોગ સરળ બન્યો છે. કોપાયલટ વોઇસ કમાન્ડ, ટેબ ઓપન કરવું, પ્રોડક્ટની સરખામણી કરવી કે ઑનલાઇન ખરીદી જેવી સુવિધાઓ આપે છે, જેને કારણે તે રોજિંદા કામ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. માઇક્રોસોફ્ટના એન્ટરપ્રાઇઝ યુઝર્સ, બ્રાન્ડ્સ અને સરકારી એજન્સીઓએ પણ તેનો મોટા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે, જેના કારણે કોપાયલટના યુઝર્સ ઝડપથી વધી રહ્યા છે.
આ રિપોર્ટમાં મોબાઇલ અને ડેસ્કટોપ યુઝર્સ વચ્ચેનો તફાવત પણ નોંધાયો છે. મોબાઇલ પર AIનો ઉપયોગ કરનારા યુઝર્સમાં 5.3 ટકાનો વધારો થઈને સંખ્યા 73.4 મિલિયન થઈ છે. બીજી તરફ ડેસ્કટોપ પર AI યુઝર્સમાં 11.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે સંખ્યા 78.4 મિલિયન છે. આ દર્શાવે છે કે લોકો હવે AIને રોજિંદા જીવનમાં, ખાસ કરીને મોબાઇલ મારફતે, વધુ વાપરી રહ્યા છે, જ્યારે ડેસ્કટોપ પર તેનો ઉપયોગ મુખ્યત્વે ઓફિસ અને પ્રોફેશનલ કામ માટે મર્યાદિત છે.
નાણાકીય દૃષ્ટિએ પણ માઇક્રોસોફ્ટને AIમાંથી મોટો ફાયદો થઈ રહ્યો છે. Azure દ્વારા ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 75 બિલિયન ડોલરનો બિઝનેસ કર્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીએ 34 ટકા વધારે છે. સત્ય નડેલાએ જાહેર કર્યું હતું કે AIની વધતી માંગને ધ્યાનમાં રાખીને માઇક્રોસોફ્ટે પોતાના દરેક પ્રોડક્ટમાં AIને શામેલ કરવાનો નિર્ણય કર્યો છે. માઇક્રોસોફ્ટ અને OpenAI વચ્ચેની ભાગીદારીથી પણ મોટું રેવેન્યુ જનરેટ થઈ રહ્યું છે, કારણ કે ચેટજીપીટી અને API સેવાઓ દ્વારા OpenAI દર વર્ષે માઇક્રોસોફ્ટ પાસેથી દસ બિલિયન ડોલર જેટલી આવક કરે છે.
તેમ છતાં ચેટજીપીટીના લોયલ યુઝર્સનું એક અલગ વર્ગ છે. આ રિપોર્ટ મુજબ 85 ટકા યુઝર્સ ફક્ત એક જ AI ચેટબોટનો ઉપયોગ કરે છે અને તેઓ પોતાના પસંદીદા પ્લેટફોર્મ સાથે જ રહે છે. ખાસ કરીને ચેટજીપીટીના ઘણા યુઝર્સ અન્ય પ્લેટફોર્મ પર જવા કરતાં તેનો સતત ઉપયોગ કરતા રહે છે. જ્યારે કોપાયલટ અને જેમિનીના યુઝર્સ નવી એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ્સ એક્સપ્લોર કરતા રહે છે.
આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે AIની દોડમાં માઇક્રોસોફ્ટ હવે માત્ર પીછો કરનાર નથી, પરંતુ ગૂગલ અને OpenAI જેવા દિગ્ગજોને ટક્કર આપનાર એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel