નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ સ્વામિ મહારાજની જન્મ જયંતિની ઉજવણી સભામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને બીએપીએસના વડા શ્રી મહંત સ્વામિના હસ્તે નવા મંદિર અને તેના કેમ્પસના મોડેલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની દર્શન કરી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે મંદિર ઈશ્વરનું ધામ, પ્રભુને પામવાનું સ્થાન પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે. નડિયાદમાં બનેલું મંદિર ભક્તોના ભાવ પુરા કરવામાં ધર્મ ઉપાસના અને સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે.
તેમણે કહ્યું કે હજારો વર્ષ સુધી વિદેશીઓના શાસનકાળ છતાં ગુજરાતમાં આ ભાગવત પરંપરાઓનો અનેરો ત્રિવેણી સંગમ રચનાર અને હજારો લાખો માનવીઓને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર ભગવાન સહજાનંદ સ્વામી હતા.
ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થપાયેલી એકાંતી ઉપાસનાની અનોખી રીત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે. બી.એ.પી.એસના સંતો હરિભક્તો યુવા અને બાળકોની અમીછાપ જનમાનસ પર છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. સંસ્થાના વડા શ્રી મહંત સ્વામી અને કેવલ જ્ઞાન પીઠાધિશ્વર પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.
સંસ્થાના સંત શ્રી બ્રહ્મ વિહારી સ્વામિએ સૌને આવકારતા જણાવ્યું હતું કે,આ મંદિર માત્ર દર્શનનું નહિ પરંતુ જીવન ઉત્કર્ષના સ્થાન સાથે સામાજિક એકતા અને સમાજની નવરચનાનું કેન્દ્ર બની રહેશે. મંદિર દ્વારા ૧૬૦ જેટલી સમાજ સેવાની પ્રવૃતિ કરવામાં આવે છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ સ્વભાવ સાથે આધ્યાત્મિક પ્રકૃતિના છે. મુખ્ય મંત્રીશ્રી અંતર ભાવથી ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે. પ્રમુખ સ્વામીના જન્મ સ્થાન ચાણસદમાં મહિલા આઇ.ટી.આઈ અને સંસ્કૃત મહા વિદ્યાલય શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે મુખ્ય મંત્રીને યું. એ. ઈ માં સ્થપાયેલ સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પાવન અવસરે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,સંસ્થાના સંત શ્રી બ્રહ્મ વિહારી સ્વામિ, ધારાસભ્ય સર્વ પંકજભાઇ દેસાઇ, સંતવર્ય ડોક્ટર સ્વામિ, શ્રી ત્યાગવલ્લભ સ્વામિ, શ્રી ઇશ્વરચરણ સ્વામિ, શ્રી ભક્તિપ્રિય સ્વામિ, શ્રી વિવેકસાગર સ્વામિ સહિતના સંતગણ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.